- જીએસઆરટીસી અને રેલવે માટે રાત્રી કરફર્યું પછીના નિયમો જુદા જુદા
- રેલવે અને એરપોર્ટ પર આવતા પ્રવાસીને છૂટ આપવામાં આવી
- એસટી બસને રાત્રે 9 વાગ્યા પછી વડોદરા શહેરમાં પ્રવેશબંધી
- અન્ય શહેરની બસ વડોદરા શહેરના સીમાડે પ્રવાસીને ઉતારી દેતા મુશ્કેલી
વડોદરાઃ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના પ્રવાસી માટે રેલવે સ્ટેશન આવવા અને જવા પર ટિકિટના આધારે છૂટ અપાય છે. જ્યારે એરપોર્ટ પર ફ્લાઈટ રાત્રે 8:30 વાગે આવે છે. તેમાં પણ આવતા પ્રવાસીને છૂટ અપાય છે. બીજી તરફ એસટી બસને રાત્રે 9 વાગ્યા પછી વડોદરા શહેરમાં પ્રવેશ અપાતો નથી. પ્રવાસીને રાત્રે 9 વાગ્યા પછી હાઇવેથી શહેરમાં આવવા માટે વધુ ભાડું ચૂકવી ઘરે જવાનો વારો આવ્યો છે.
વડોદરામાં શહેરના ચારે સીમાડા પર પીકઅપ-ડ્રોપ પોઈન્ય મુકાયા
આ અંગે માહિતી આપતા વડોદરા ડિવિઝન ઈન્ચાર્જ એસપી માત્રોજાએ જણાવ્યું કે, બસોના બુકિંગ અંગે અમદાવાદથી સેન્ટ્રલાઈઝ સિસ્ટમ ગોઠવેલી છે તેમ જ બસને શહેરમાં પ્રવેશ આપવો કે નહીં તે નિર્ણય પણ ત્યાંથી લેવાય છે. વડોદરામાં પ્રવેશબંધી હોવાથી અમે શહેરના ચારે સીમાડા પર પિકઅપ-ડ્રોપ પોઈન્ટ મૂક્યા છે. જોકે, બીજી તરફ અન્ય શહેરની બસ વડોદરા શહેરના સીમાડે પ્રવાસીને ઉતારી દે છે, જેને પગલે મુસાફરને રાત્રે 9 વાગ્યા પછી હાઈવેથી શહેરમાં આવવા માટે વધુ ભાડું ચૂકવી ઘરે પહોંચવું પડે છે. વડોદરાની રાતની બસનું બુકિંગ એસટી વિભાગ દ્વારા બંધ કરાયું છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ઊપડતી બસનું બુકિંગ ત્યાંથી વડોદરા જવા માટે થાય છે.