વડોદરા : ગુજરાત સરકાર દ્વારા રચિત ફી અધિનિયમ 2017નો કાયદો ખાનગી શાળા સંચાલકોને અંકુશમાં રાખવાને બદલે વાલીઓના ગળાનો ફંદો સાબિત થઇ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતના તાજેતરના વચગાળાના હુકમ મુજબ કોઈ પણ શાળાએ FRC દ્વારા નક્કી કરેલી જ ફી ઉઘરાવવી. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ આદેશ કરેલો હોવા છતાં વડોદરાની કેટલીક અગ્રણી શાળાઓ મનસ્વી રીતે જ ફી ઉઘરાવે છે. સરકારે ફી નિયમન અંગેનો કાયદો બનાવતા તો બનાવી દીધો પણ સરકારની વિવિધ એજન્સીઓને સાથે સંકલન કર્યા વગર ફી નક્કી કરવામાં આવી છે.
આ તમામ બાબતોને લઇ વાલીઓમાં હાલ અસમંજસતા પ્રવર્તી રહી છે. ફી નક્કી કરવાના ધારાધોરણ તો સરકારે બનાવ્યા પણ ખાનગી શાળાઓ દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તેની ચકાસણી સામે પણ વાલીઓમાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે તેમ વાલી મંડળના અગ્રણીઓનું કહેવું છે. કલેકટર દ્વારા એફઆરસી સમિતિ દ્વારા જે ફી નિયત કરવામાં આવી છે તેનું કડકપણે વડોદરાની તમામ ખાનગી શાળાઓમાં અમલીકરણ થાય તે હેતુસર વડોદરા વાલી મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ફી નિયમન 2017 વિધેયક કાગળનો વાઘ સાબિત ન થતાં ખાનગી શાળા સંચાલકો ઉપર ફીની લગામ કસવામાં કડક પણે અમલીકરણ થાય તે માટે દરેક વાલીઓએ આગળ આવી અને આ લડતને મજબૂત બનાવવી ખૂબ જરૂરી હોવાનું જણાવી લડતમાં જોડાવવા અગ્રણીઓએ શહેરના વાલીઓને અપીલ કરી હતી.