- કોરોના મહામારીનો સમય ગાળો માનવ ઈતિહાસના સૌથી કપરાં કાળ પૈકી નો એક છે
- જ્યારે ભયના લીધે મરદ મૂછાળાઓને પરસેવો છૂટી જાય એવું વાતાવરણ હતું
- કોરોના સામે મોરચો માંડવામાં મોખરે રહી સયાજી હોસ્પિટલની વીરાંગનાઓ
વડોદરા: સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ કહે છે કે, જ્યારે કોરોના ઉંચાઈ પર હતો ત્યારે, સતત કેસો આવતા, સારવાર લાંબી ચાલતી, એ સમયગાળામાં કોરોના વિભાગમાં રાત કે દિવસના કોઈપણ સમયે તબીબથી લઈને સફાઈ સેવિકાઓ અને સુરક્ષા ગાર્ડ સુધીની શ્રેણીઓમાં 200થી વધુ મહિલાઓ આરોગ્યની સેવા આપતી હતી. આ વીરાંગનાઓ પૈકી એક છે ડો. જયા પાઠક. તેમણે કોરોના જ્યારે ટોચ પર હતો, ત્યારે, કેવી રીતે તેનો ઉપચાર કરવો એની વિમાસણ હતી. ત્યારે, તેમણે અનેક તણાવો અને નીતનવા પડકારોથી ભરેલા વાતાવરણમાં તબીબી નોડલ અધિકારી તરીકે એક થી વધુ વાર સેવા આપી હતી. લગભગ છેલ્લા 10 મહિનાથી કોરોના વિભાગમાં મારું કામ ચાલુ જ છે એવી જાણકારી આપતાં ડોકટર જયાબહેન કહે છે કે, બીમારી સાવ અજાણી હતી, રોજેરોજ નવી ગાઈડ લાઇન અને નવા પ્રોટોકોલ સૂચવવામાં આવતા હતો. સયાજી હોસ્પિટલમાં ખાસ ફરજ પરના અધિકારીથી લઈને સલાહકાર અને તબીબી અધિક્ષક સહિત બધાએ પીઠબળ આપ્યું. રેસીડેન્ટ તબીબો, તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ સહુએ જે ફરજ નિષ્ઠા બતાવી એ આ જંગ જીતવામાં ખૂબ જ ઉપયોગી નીવડી.
આ પણ વાંચો: રાજકોટમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ફ્રીમાં મુસાફરી કરી શકશે મહિલાઓ
મહિલા કોરોના યોદ્ધાઓ
કોરોના વિભાગમાં લગભગ 62 દિવસ સુધી દર્દીઓને એક્સરસાઇઝ કરાવવાની સેવા આપનારા ફિજીઓથેરાપી વિભાગના ડો.નીરજા ભટ્ટએ જણાવ્યું કે, જ્યારે અમને કહેવામાં આવ્યું કે તમારે કોરોના વિભાગમાં જઈને સારવાર હેઠળના દર્દીઓને સારવારના ભાગરૂપે કસરતો કરાવવાની છે. ત્યારે, ક્ષણ વાર માટે તો ભયની લાગણીએ મનનો કબ્જો લઈ લીધો. જો કે, આ એક ક્ષણિક અનુભૂતિ હતી. આ કામગીરી દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થઈ. ત્યારે દર્દીઓ કેવું અનુભવે છે, કેવા પ્રકારની એમને પીડા થાય છે, કેવા ગમા અણગમા જાગે છે એનો જાત અનુભવ થયો. એટલે કોરોના મુક્ત થયાં પછી રોગ અને રોગીની નવી સમજણ સાથે ફરીથી ફરજ શરૂ કરી. આ અનુભવથી કોરોનાના વ્યવસ્થાપનમાં ફિઝિયોથેરાપીની ભૂમિકાની એક નવી દિશાના દ્વાર ખુલ્યા જે ભવિષ્યમાં વ્યવસાયિક કુશળતામાં નવા આયામો ઉમેરશે.
આ પણ વાંચો: નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા
જાતે કોરોના પોઝિટિવ થયાં
હેડ નર્સ રાજશ્રી શેઠ પણ હોસ્પિટલની સેવા દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થયાં હતાં. કોરોના શરૂ થયો ત્યારે તેઓ તાત્કાલિક સારવાર વિભાગમાં સેવા આપી રહ્યાં હતા. એ સમયગાળાને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ તાત્કાલિક સારવાર વિભાગમાં જ આવ્યો હતો. તે પછી આ રોગની ચેપ આપવાની પ્રકૃતિને જાણીને આ વિભાગમાં બે પથારીનું આઈસોલેસન યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું.