અમદાવાદ: વિવિધતામાં એકતા ધરાવતા આપણા ભારત દેશમાં અનેક જોવા લાયક સુંદર સ્થળો આવેલા છે, અને આપણા દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, ભાષા, પહેરવેશથી લઈને ખાન-પાન પણ અલગ-અલગ છે, તેમાંથી દક્ષિણ ભારત સૌથી અલગ છે. છેલ્લાં ઘણા સમયથી દક્ષિણ ભારત ગુજરાત સહિત ઉત્તરભારતના લોકોમાં ખુબ જ આકર્ષણ ધરાવી રહ્યું છે, અને દક્ષિણ ભારત ફરવા જતા લોકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
દેશમાં સૌથી સસ્તી અને સલામત સફર માટે ભારતીય રેલવેની મુસાફરી સિવાય અન્યો કોઈ વિકલ્પ ન હોઈ શકે એમ કહીએ તો કોઈ અતિશોયુક્તિ નથી. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી તામિલનાડુના તિરુચિરાપલ્લી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. તામિલનાડુ એક એવું રાજ્ય છે, જે તેની આગવી સુંદરતા, પરંપરા, સંસ્કૃતિ અને સુવર્ણ ઈતિહાસ સમેટીને બેઠું છે. તામિલનાડુમાં અને તિરુચિરાપલ્લી સહિત તેની આસ પાસ ઘણા બધા ફરવા લાયક સ્થળો આવેલા છે.
અમદાવાદથી તિરૂચિરાપલ્લી સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને તામિલનાડુના તિરુચિરાપલ્લી વચ્ચે શિયાળુ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન આગામી 02 જાન્યુઆરી 2025થી આગલી સૂચના સુધી વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ ટ્રેન આગામી 02 જાન્યુઆરી 2025થી આગળની સૂચના ન મળે ત્યાં સુધી દર ગુરુવારે અમદાવાદથી સવારે 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે શનિવારે બપોરે 03:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચાડશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લીથી અમદાવાદ આ સ્પેશિયલ ટ્રેન 05 જાન્યુઆરી, 2025થી આગળની સૂચના સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી સાંજે 05:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે સોમવારે રાતે સવા 9.15 કલાકે અમદાવાદ પહોંચાડશે.
ક્યાં ક્યા રેલવે સ્ટેશન પર સ્ટોપ કરશે
અમદાવાદથી તિરુચિરાપલ્લી વચ્ચે આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં, વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા , રેણીગુંટા, અરાકોણમ, પેરમ્બુર, ચેન્નાઈ એગમોર, તાંબરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ, ચિદમ્બરમ, શિરકાશી, વૈદ્દીશ્વરનકોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ,પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. મહત્વપૂર્ણ છે કે, ટ્રેન નંબર 09419નું (અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ) બુકિંગ 29 ડિસેમ્બર 2024થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરુ થઈ જશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોને રેલવેની આધિકારીક વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવાનો ખાસ અનુરોધ છે.
તિરુચિરાપલ્લીથી ઉટી
તમિલનાડુમાં આવેલું ઊટી ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. અહીંના લીલાછમ મેદાનો, રમણીય વાતાવરણ, ફૂલોની સુંદરતા તમારા મનને મોહી લેશે. ઊટીને હિલ સ્ટેશનોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તિરૂચિરાપલ્લીથી ઉટીનું અંતર આશરે 283 કિલોમીટર છે અને ઉટીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન મેટ્ટુપલયમ છે જે ઉટીથી લગભગ 47 કિમીના અંતરે આવેલું છે. અહીં ખાસ વાત એ છે કે, આપ મેટ્ટુપલયમથી ટ્રોય ટ્રેન દ્વારા ઉટી પહોંચી શકો છો.
તિરુચિરાપલ્લીથી મહાબલીપુરમ
મમલ્લાપુરમ અથવા મહાબલીપુરમ એ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં બંગાળની ખાડી અને ગ્રેટ સોલ્ટ લેક વચ્ચે સ્થિત એક શહેર છે. આ ઐતિહાસિક શહેર 7મી અને 8મી સદીમાં પલ્લવ વંશ દ્વારા બાંધવામાં આવેલા મંદિરો અને સ્મારકો માટે જાણીતું છે. અહીં પથ્થર પર કરવામાં આવેલી કોતરણી, મૂર્તિઓ, તેમજ પ્રાચીન મંદિરોને કારણે યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવ્યું છે. તિરુચિરાપલ્લીથી મહાબલીપુરમનું અંતર લગભગ 286 કિલોમીટરની આસપાસ થાય છે, એટલે માનો કે, પાંચ કે છ કલાકની મુસાફરી દ્વારા આપ મહાબલીપુરમ પહોંચી શકો છો.
તિરુચિરાપલ્લીથી કોડાઈ કેનાલ
કોડાઈકેનાલ એ પણ તમિલનાડુ રાજ્યમાં આવેલું એક પહાડી શહેર છે. તે ગ્રેનાઈટ ખડકો, જંગલવાળી ખીણો, તળાવો, ધોધ અને લીલાછમ ઘાસવાળી પહાડી વિસ્તારમાં વસેલું છે. તિરુચિરાપલ્લીથી કોડાઈ કેનાલનું અંતર આશરે 200 કિલોમીટરની આસપાસ છે. તિરુચિરાપલ્લીથી કોડાઈકેનાલ વચ્ચે સીધી ટ્રેન પણ દોડે છે. તિરુચિરાપલ્લીથી કોડાઈ કેનાલનો રેલવે માર્ગ પર ખુબ જ શાનદાર અને સુંદર અનુભવ કરાવે છે.
તિરુચિરાપલ્લીથી મુન્નાર
મુન્નારને કેરળનું સ્વર્ગ ગણવામાં આવે છે, જ્યારે આ સ્થળ દક્ષિણ ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાં સમાવેશ પામે છે. ત્રણ પર્વતોના સંગમ સ્થળ મુન્નાર ઉંચા પહાડ, ચાના બગીચા, ધોધ અને જંગલોનું અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવે છે. તિરુચિરાપલ્લીથી મુન્નારનું અંતર લગભગ 264 કિલોમીટર છે, જે આશરે 6 કલાકની મુસાફરી કરીને પહોંચી શકાય છે.
તિરુચિરાપલ્લીથી થેક્કડી
કેરળમાં આવેલું થેક્કડી ખુબજ સુંદર સ્થળ છે, થેક્કડી શબ્દનું નામ સાંભળતા તરત જ નજર સમક્ષ હાથીઓ, અમર્યાદિત ગિરિમાળાઓ અને મસાલાથી સુગંધિત વાવેતરો આવી જાય છે. થેક્કડીનું પેરિયાર જંગલ ભારતમાં શ્રેષ્ઠ વન્ય જીવન સંરક્ષણ પૈકી એક છે. સમગ્ર જિલ્લો રમણીય વાવેતર અને ગિરિ મથકોથી છવાયેલ છે જે ટ્રેકિંગ માટે અને પર્વત પર ચાલનારાઓ માટે સુંદર પગદંડીઓથી ભરપૂર સ્થાન છે. તિરુચિરાપલ્લીથી થેક્કડીનું અંતર આશરે 245 કિલોમીટર જેવું છે.