સુરત: કીમ ચોકડી ખાતે આવેલી યુનિયન બેંકની શાખામાં પાછળનાં ભાગે બાકોરૂ પાડી જેમાં મુકેલા લોકર્સ તોડી કુલ 1 કરોડ 4 લાખ રૂપિયાના મુદ્દામાલની ચકચારી ચોરીની ઘટનાના દસ દિવસ બાદ એલસીબી પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે બિહાર સહિત અન્ય વિસ્તારોમાંથી ચોરીની ઘટનામાં સામેલ ગેંગનાં 8 લોકોને 53 લાખ 58 હજારના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. આજરોજ પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી કન્ટ્રક્શન કર્યું હતું.
ચોરીના રૂપિયાનો ભાગ પાડી દિલ્હીથી બધા છૂટા પડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 17-12-2024ના રોજ કીમ ચોકડી ખાતે આવેલી યુનિયન બેંકની શાખાનાં પાછળનાં ભાગે દીવાલમાં બાકોરુ પાડી તસ્કરોઅંદર પ્રવેશી લોકર્સને નિશાન બનાવી 1 કરોડ 4 લાખ જેટલી રોકડ, સોના ચાંદીનાં ઘરેણા મળી માલમત્તાની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે સુરત જિલ્લો અને રાજ્ય છોડી ભાગી છૂટેલી ગેંગ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે સુરતથી અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના 500થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. પોલીસને આરોપીઓ છૂટા છવાયા અલગ અલગ વાહનોમાં નેશનલ હાઇવે પર પહોંચી જ્યાંથી ભેગા થઈ એક ઓટો રિક્ષામાં સુરત રેલવે સ્ટેશને જઈ લોકલ ટ્રેનમાં બેસી વડોદરા અને ત્યાંથી દિલ્હી પહોંચ્યા બાદ ચોરીના માલનો હિસ્સો વેચી છૂટા પડી ગયા હોવાની લીડ મળી હતી.
પોલીસ જીવના જોખમે નક્સલી વિસ્તારમાંથી શખ્સોને ઝડપી લાવી
જેથી પોલીસની અલગ અલગ ચાર ટીમ બિહાર, વેસ્ટ બંગાલ, દિલ્હી અને પંજાબ રવાના થઈ હતી. પોલીસે ચાર રાજ્યો ખુંદી નાંખ્યા બાદ એક મોટી સફળતા મળી હતી. પોલીસે ખુબજ ગીચ અને પરપ્રાંતિયોની ભરચક વસ્તી ધરાવતા દિલ્હીના નિહાર ખાતેથી સુરજકુમાર ચંદ્રદેવ પ્રસાદ સિંગ અને બરખુકુમાર અર્જુન બિંદને ઝડપી લીધા હતા. જોકે ત્યાર બાદ પોલીસે પંજાબથી જયપ્રકાશ બાબુલાલ બિંદ અને સાયણ રહેતા અને ચોરીની ઘટનામાં મદદગારી કરનાર દિપક નંદલાલ મહત્તો, યશકુમાર રવિ મહત્તોને દબોચી લીધા હતા. વધુ ત્રણ આરોપી બિહારનાં નક્સલી વિસ્તારમાં છુપાયા હોવાની બાતમી મળી હતી. પોલીસે જીવના જોખમે કુંદન ધરણીધર બિંદ, ખીરૂ ઉર્ફે મામો પ્રકાશ બિંદ, બાદલકુમાર ધર્મેન્દ્ર મહત્તોને પોલીસે જીવ પડીકે બાંધી બિહાર એસએટીએફ અને સ્થાનિક પોલીસની મદદથી ઉઠાવી લીધા હતા. જોકે ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્લાન ઘડનાર સુરજ ભરત લુહાર ભાગી છુટતા પોલીસે જેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કુલ 8 આરોપીને પકડી 53 લાખ 58 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આજરોજ પોલીસ આરોપીઓને સાથે રાખી જે જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો એ જગ્યા પર લાવી હતી. ક્યાંથી ઘૂસ્યા, ક્યાંથી ભાગ્યા, કઈ રીતે બાકોરું પાડ્યું, કયા મશીનનો ઉપયોગ કર્યો, કયા તસ્કરે શું ભૂમિકા ભજવી, ક્યાં સંતાયા, બાકીનો મુદ્દામાલ ક્યાં છે? એ તમામ બાબતોની પૂછપરછ કરી હતી.