વડોદરા: કોરોના વાઇરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર દ્વારા ખડેપગે ફરજ બજાવવામાં આવી રહી છે. ત્યારે પાણીગેટ ભદ્રકચેરી પાસે મોડી રાત્રે બે એસ.આર.પી જવાનો પર ચાર જેટલા અસાજિક તત્વોએ હુમલો કર્યો હતો.
વાલીયા એસ.આર.પી. ગૃપ નંબર-10ના જવાન દેવેન્દ્રભાઇ રાઠોડ અને કિશોરભાઇ પટેલ પાણીગેટ ભદ્રકચેરી પાસે તંબુમાં રહે છે અને કોરોના વાઇરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ બંને જવાનો મોડી રાત્રે સ્ટાફના જવાનો માટે ટિફીન લેવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો પસાર થતાં, બંને એસ.આર.પી. જવાનો નજીકની દરગાહ પાસે ઉભા થઇ ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પસાર થયા બાદ દરગાહ પાસે ઉભેલા ચાર જેટલા અસામાજિક તત્વોએ કોઇપણ કારણ વગર એસ.આર.પી. જવાન દેવેન્દ્રભાઇ રાઠોડ અને કિશોરભાઇ પટેલ પર હુમલો કર્યો હતો.
કિશોરભાઇ પટેલ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. પરંતુ, દેવેન્દ્રભાઇ રાઠોડ અસામાજિક તત્વોના હાથમાં આવી જતાં, તેઓને માર માર્યો હતો. દરમિયાન આ બનાવની જાણ બીજા એસ.આર.પી જવાનોને થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત એસ.આર.પી જવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં હુમલો કરનાર ચાર જેટલા અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી હતી. જોકે, હુમલાખોરો મળી હજી સુધી મળી આવ્યા નથી.