- ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજ્ય સરકાર પર પ્રહાર
- રાજ્યમાં ગુંડારાજ હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ
કરજણ/વડોદરા: કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં પ્રચાર કરવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગુરુવારે કરજણ આવ્યા હતા. અહીં તેમણે પોર સ્થિત બળિયાદેવ મંદિરના દર્શન કર્યા હતા. પત્રકારો સાથે વાતચીત કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. રાજ્યમાં બિહાર અને ઉત્તર પ્રદેશ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતની પ્રજા ભયના ઓથાર હેઠળ જીવે છે: અમિત ચાવડા
અમિત ચાવડાએ કહ્યું કે, "વિધાનસભામાં કાયદા પસાર કરવામાં આવે છે, પરંતુ તેનો અમલ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ છે. ગુંડાઓને આશ્રય આપવામાં આવી રહ્યો હોય તેમ ગુંડાતત્વો બેફામ બન્યા છે'. વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો અને પ્રચાર કરવાની સાથે શાસનની કમાન સંભાળનારાઓથી ગુજરાતની પ્રજા ભયના ઓથાર હેઠળ જીવે છે.