વડોદરાઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે અનલોક-1માં સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 75 દિવસ બાદ મંદિરો સહિતના ધાર્મિકસ્થાનો ખુલ્લા મુકાયા છે. વડોદરા શહેરના મોટનાથ મહાદેવ, માંડવી અંબેમાતા, મહાકાળી માતા તેમજ ભીડ ભંજન હનુમાન મંદિર સહિતના તમામ મોટા મંદિરો સોમવારે અનલોક-1માં સરકારની ગાઇડલાઇન મુજબ ખુલી ગયા છે. લોકો પહેલા દિવસે લોકો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા ભીડ ભંજન હનુમાન મંદિરમાં સેનેટાઈઝ ટનલ મુકવામાં આવી છે. જેથી તમામ ભક્તો સેનેટાઈઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી શકે. આ ઉપરાંત દાન પેટીની જગ્યાએ યુવી મશીન મૂકવામાં આવ્યું છે. જેથી યુવી મશીનમાં રૂપિયા નાખતા જ સેનેટાઇઝ થઇ જાય છે.
ભીડ ભંજન હનુમાન મંદિરમાં ગોળ કુંડાળા દોરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જળવાઇ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના તમામ મંદિરોમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ પાલન અને માસ્ક પહેરી દર્શનાર્થીઓ દર્શન કરતા નજરે પડ્યા હતા.