વડોદરા: શહેરના વાધોડિયા વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રજેશ શાહે યુનિક રીતે ગણેશોત્સવની ઉજવણી કરી છે. આ વિશે માહિતી આપતા પ્રજેશ શાહે જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં લોકો ઘરે જ શ્રીજીની સ્થાપના કરશે અને ગણેશોત્સવ ઉજવશે, ત્યારે મે નક્કી કર્યું કે, હું 18 વર્ષથી શિક્ષણ અને આર્ટના ક્ષેત્રે જોડાયેલો છું, તો મેં કંઈક નવું કરવાનું વિચાર્યું અને આ વિચારે જ મને ચોક, દિવાસળી અને લખોટી પર ગણેશજીની પ્રતિકૃતિ બનાવવા માટે પ્રેરિત કર્યો.
પ્રજેશ શાહે જણાવ્યું હતું કે, સૌપ્રથમ મેં ચોક પર ગણેશજી બનાવવાની શરૂઆત કરી અને 3 સેન્ટીમીટરના ચોક પર 3 કલાકની મહેનતના અંતે શ્રીજી બનાવ્યા. આ સાથે બાળકોને ગણેશજી પ્રત્યે ઘણો પ્રેમ અને લગાવ હોય છે અને બાળકો લખોટી પણ રમતા હોય છે. આ માટે મેં લખોટી પર શ્રીજીની પ્રતિકૃતિ બનાવવાની શરૂઆત કરી. 1 કલાકની મહેનતના અંતે 10 મીલી મીટરના ગણેશજી બનાવ્યાં. આ સાથે 8 મીલી મીટરની દિવાસળી પર મેં 30 મિનિટમાં બાપ્પાની કૃતિ બનાવી. આ સાથે મેં અક્ષરોનો ઉપયોગ કરીને પણ બાપ્પાની પ્રતિમા બનાવી છે.
પ્રજેશ શાહે જણાવ્યું હતું કે, એક શિક્ષક અને કલાકાર તરીકે હું હંમેશા એક વાતનું ધ્યાન રાખું છું કે, હું લોકોને કલા ક્ષેત્રમાં અને બાળકોને શિક્ષણ ક્ષેત્રમાં કઈક નવું આપી શકું, જે માટે હું સતત અભ્યાસ કરતો રહું છું અને લોકોને નવું આપતો રહું છું.