વલસાડ : સને 2011માં સરકાર દ્વારા કરવામાં આવેલ સર્વેમાં વંચિતતા યાદીમાં 31,216 કુટુંબો તેમજ વંચિતતા ધરાવતા 29,67,972 કુટુંબોનું ફરી સર્વેક્ષણ કરવા માટે 'ઇઝ ઓફ લિવિંગ' નામથી ફરી સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અનુલક્ષી વલસાડ જિલ્લામાં પણ વિવિધ તાલુકામાં સર્વે કામગીરી આરંભ થનાર છે. જે માટે કપરાડા તાલુકાના આશા વર્કરોને સર્વે કામગીરી આપવામાં આવી છે.
જે માટે કપરાડા બી.આર.સી ભવન ખાતે તાલુકા વિકાસ અધિકારી આર.પી.પટેલની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો. જેમાં આશા વર્કરોને સર્વે ફોર્મ કેવી રીતે ભરવા તે અંગે માહિતી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, વહેલી સવારથી 500થી વધુ આશા વર્કરોને બોલાવવામાં આવ્યા હતા. તેઓને ના તો ભોજનની વ્યવસ્થા કરવામાં આવી કે, ના નાસ્તો કરાવવામાં આવ્યો. વળી સર્વે કામગીરી માટે પણ માત્ર ફોર્મ દીઠ 10 રૂપિયા મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંગે પણ આશા વર્કરોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી.