વડોદરા : શહેરના છેવાડે આવેલ અનગઢ નજીકની મીની નદીની કોતરોમાં ઢોરો ચરાવવાને માટે ગયેલી આધેડ વયની મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.આ પાશવી કૃત્ય વડોદરા - મુંબઈ એક્સપ્રેસ વેના કામ માટે રોકાયેલા એલ એન્ડ ટી ના કોન્ટ્રાક્ટ ઉપરના પરપ્રાંતીય મજૂરો દ્વારા કરવામાં આવ્યું હતું.
જવાહરનગર પોલીસ અને ડીસીબીના સંયુક્ત તપાસમાં ગણતરીની મિનિટોમાં પરપ્રાંતીય હત્યારો આરોપી 50 વર્ષીય છુટકુ યાદવ ઝડપાઇ ગયો હતો. જેણે પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો છે. સવારના સમયે ઢોરો લઈને નીકળેલી વૃધ્ધા નિર્વસ્ત્ર સ્થિતિમાં મળતા દુષ્ક્રર્મની આશંકા સાથેે પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે. જેની ખરાઈ મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછીથી થશે. હાલ, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.