- સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં જ થાય છે સફરજનની ખેતી
- વડોદરાના ખેડૂતે રાજસ્થાનથી ખરીદ્યા સફરજનના છોડ
- છેલ્લા 3 વર્ષથી વાવ્યા છે 220 જેટલા સફરજનના છોડ
વડોદરા: ખેતીક્ષેત્રમાં પ્રયોગશીલતા ( innovation in agriculture sector ) ના કારણે ખેડૂતો હંમેશા અવનવા પ્રયોગો કરતા રહે છે. એવો જ પ્રયોગ વડોદરાના કરજણ તાલુકામાં રહેતા ખેડૂત ગિરીશભાઈ પટેલે કર્યો છે. તેમણે પોતાના ખેતરમાં સફરજનના 220 જેટલા છોડ વાવ્યા છે. ઠંડા પ્રદેશોમાં ઉગતા સફરજનની ગુજરાત જેવા ગરમ આબોહવા ધરાવતા રાજ્યમાં ખેતી કરીને તેમણે પ્રયોગશીલતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. હાલમાં ગિરીશભાઈએ હાલમાં રોપેલા છોડ 7 ફૂટ જેટલી ઉંચાઈએ પહોંચી ગયા છે. જોકે, સફરજન સંપૂર્ણ રીતે તૈયાર થતા હજુય એક વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે.
![હિમાચલથી 1300 કિ.મી દૂર વડોદરાના કરજણમાં ખેડૂતે કરી સફરજનની સફળ ખેતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-vadodara-karjan-apple-khati-videostory-gjc1004_02062021144552_0206f_1622625352_453.jpeg)
જાન્યુઆરી 2019માં શરૂ કર્યુ વાવેતર, એક વખત ફૂલો અને ફળો પણ તોડ્યા
ગિરીશભાઈને છેલ્લા ઘણા વર્ષોથી હિમાચલના સફરજનની ગુજરાતમાં ખેતી કરવાની ઈચ્છા હતી. જેના કારણે તેમણે હિમાચલની એક સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી તેમને રાજસ્થાનના જયપુરની એક સંસ્થાનો સંપર્ક કરવા જણાવાયું હતું. હરમન-99 પ્રકારના સફરજનના છોડ તેમને પરિવહન સહિતના ખર્ચ સાથે 300 રૂપિયા પ્રતિ છોડ મળ્યા હતા. જેનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે છોડ પર ફળો અને ફૂલ જોવા મળતા તેઓ ખુશ થયા હતા. જોકે, જે સંસ્થા પાસેથી તેમણે આ છોડ ખરીદ્યા હતા, તે સંસ્થાએ તેમને છોડ 3 વર્ષ પછી જ પરિપક્વ થતા હોવાનું જણાવતા ગિરીશભાઈએ તાત્કાલિક તે ફૂલો અને ફળો તોડી નાંખ્યા હતા.