વડોદરા: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને નર્મદા અને મહી નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કુલ 235 ઉપરાંતના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. તેની અસર વીજ પુરવઠા પર જોવા મળી હતી. MGVCL ની ટીમ દ્વારાઆ તમામ ગામોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરી દેવાની કામગીરી આરંભી હતી. પરંતુ ત્યાં સુધી લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.
આ 4 જિલ્લાઓમાં વરસાદ અને પૂરના કારણે 500 ઉપરાંત થાંભલા પડી ગયા હતા. વીજ કંપનીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પરંતુ વીજ કંપની દ્વારા આણંદ, ખેડા અને વડોદરા શહેરની ટીમોના સહયોગથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આ 235 ઉપરાંત ગામોમાં વીજ પુરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો છે."-- એસ.એસ તાવિયાડ (મુખ્ય ઈજનેર)
વીજ ડી.પી પાણીમાં ગરકાવ: કરનાળી અને ચાંદોદમાં પાણીમાં ઇલેક્ટ્રિક સપ્લાય કરતા ટીસી ડૂબી ગયા હતા. MGVCL દ્વારા આવા ટીસી ઉતારી નવા ટીસી મૂકી દેવામાં આવ્યા છે. જે ઈલેક્ટ્રીક મીટર બળી ગયા હતા, તે તમામ બદલી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત થાંભલા ઉપરના કેબલો બદલી નાખવામાં આવ્યા છે. આ કામગીરી માટે વીજ કંપનીના 18 એન્જિનિયર અને અન્ય કર્મીઓ સહિત કુલ 130 ના સ્ટાફ દ્વારા પૂરના પાણી ઓસરતાં માત્ર એક દિવસમાં કામગીરી પૂર્ણ કરી વીજ પૂરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.
લોકોની રજુઆત: સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતાં કાંઠા કિનારાનાં અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ, કરનાળી, નંદેરીયા ,ભીમપુરા જેવા ગામોમાં તેણે મોટા પાયે વિનાશ થયો છે. ચાંદોદ સહિત કાંઠા કિનારાના 90% વિસ્તારોમાં પૂરની તારાજી સર્જતાં કરોડોના નુકસાનનો અંદાજ લગાવાઇ રહ્યો છે. પાણી ઓસરીને સ્થિતિ સામાન્ય થતાં જિલ્લા કલેકટર એ બી ગોર સાથે એસડીએમ મંગળવારે સાંજે ચાંદોદની મુલાકાત લીધી હતી.
હૈયા વરાળ ઠાલવી: પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે નર્મદાજીની સાંધ્ય આરતીનો લાભ લઈ વિવિધ વિસ્તારોની મુલાકાત કરી કલેકટરે નગરજનોની રજૂઆત સાંભળી હતી. નગરજનોએ પોતાની હૈયા વરાળ ઠાલવી સરકાર તરફથી વધુમાં વધુ સહાય મળે તે માટે કલેકટરને અપીલ કરી હતી. નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારની ગાઇડલાઇન અનુસાર તમામને વળતર આપવાની કલેક્ટર એ.બી.ગોરે હૈયા ધારણા આપી હતી.