- મકરપુરા GIDCમાં આવેલી કંપનીમાં 4 બોગસ પત્રકારોએ ખંડણી માગી
- માંજલપુર પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
- સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
વડોદરાઃ શહેરમાં સાપ્તાહિકો તેમજ સોશિયલ સાઇટ ઉપર ચેનલ ચલાવી ધાક ધમકીઓ આપી, ખંડણી માંગતા બોગસ પત્રકારોએ માઝા મૂકી છે. તારીખ 15 માર્ચના રોજ બપોરે સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારોએ મકરપુરા GIDCમાં આવેલી સાબર ઇન્સ્યુલેટીગ કિટ સેન્ટર નામની કંપનીમાં પ્રેસ લખેલી કાર લઈને ઘૂસી ગયા હતા અને કંપનીમાં જઇ વીડિયો શૂટીંગ શરૂ કરી દીધું હતું. ચાર વ્યક્તિઓ કંપનીમાં ઘૂસી જઇ શૂટિંગ કરતા જોઇ મેનેજર ધીરેન રાજેન્દ્ર કુમાર ફળિયા તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ જૈમીન દિલીપભાઇ શાહ, હિતેશભાઈ પંડ્યા અને મનીષભાઈ શાહ આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લામાં પ્રેસની ઓળખ આપી લૂંટ ચલાવતા 4 લોકોની ધરપકડ
બોગસ પત્રકારોએ ધમકી આપી
મેનેજર ધીરેનભાઈ ફળિયાએ ઘૂસી આવેલા ચાર વ્યક્તિઓને શૂટિંગ લેવા બાબતે પૂછતાં બોગસ પત્રકારોએ જણાવ્યું કે, અમે સયાજી સમાચાર સાપ્તાહિકમાંથી આવીએ છે. અમને ગવર્નમેન્ટ અને પોલીસની પરવાનગીથી તમારી કંપનીમાં ઇન્ટરવ્યુ લેવાનો છે. તમારી કંપની ગેરકાયદેસર ચાલે છે. અમારે ટી.વી. ચેનલમાં બતાવવાનું છે. જો તમે આમ ન ઇચ્છતા હોય તો રૂપિયા 1 લાખ આપવા પડશે, તેમ જણાવ્યું હતું. જોકે મેનેજરે શૂટિંગ ન કરવાનું જણાવતા બોગસ પત્રકારો ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા અને ધાક ધમકી તેમજ બિભત્સ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત મેનેજરને હાથમાં કેમેરામેને બચકું ભરી લીધું હતું. ગભરાઈ ગયેલા મેનેજર તેમજ સાથી કર્મચારીઓએ કંપનીના માલિક ઉત્તમલાલ શાહ સાથે વાત કરવાનું જણાવતા બોગસ પત્રકારોએ જણાવ્યું કે, અમારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. અમને રૂપિયા 1 લાખ નહીં આપો તો તમારી કંપની વિરુદ્ધ અમે સમાચાર છાપી દઈશું, તેવી ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી પત્રકારોની ટોળકીએ પૈસા પડાવ્યાંની ઘટના સામે આવી
મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ
મેનેજર અને સાથી કર્મચારીઓએ કોઈ દાદ ન આપતા બોગસ પત્રકારો જોઇ લેવાની ધમકી આપી કારમાં રવાના થઇ ગયા હતા. દરમિયાન કંપનીના મેનેજર ધીરેનભાઈ ફળિયાએ આ અંગેની જાણ માલિક ઉત્તમલાલ શાહને કરતા તેઓ કંપની ઉપર દોડી આવ્યા હતા અને તેઓની સાથે માંજલપુર પોલીસ મથકમાં પહોંચી રૂપિયા 1લાખની ખંડણી માંગવા આવેલા સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારો સામે ફરિયાદ નોંધાવી હતી.
બે દિવસ બાદ બીજી ઘટના
પોલીસે ફરિયાદના આધારે સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારો સામે ધાક ધમકી આપી ખંડણી માંગવાનો ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે સમા સાવલી રોડ ઉપર આવેલા સ્પામા પાંચ બોગસ પત્રકારો ઘૂસી ગયા હતા અને સ્પા સંચાલકોને સ્પામા ગેરકાયદેસર પ્રવૃત્તિનો આરોપ લગાવી ધમકી આપી રૂપિયા બે લાખની ખંડણી માંગી હતી. જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી રહી છે.