- પાદરા - જંબુસર હાઇવે રોડ પર ગંભીર અકસ્માત
- ખાનગી કંપનીની લક્ઝરી બસે પાંચ વાહનોને અડફેટે લીધા
- આ અકસ્માતમાં બે માસૂમ બાળકોના મોત
વડોદરા: પાદરા-જંબુસર હાઇવે રોડ ઉપર ફૂલબાગ જકાતનાકા પાસે પૂર ઝડપે આવતી ખાનગી કંપનીની લક્ઝરી બસે બે નાના બાળકો સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતા. બસચાલકે બે બાળકો સહિત ગેરકાયદેસર પાર્કિંગ કરેલા આઇસર ટેમ્પો એક ગાડી સહિત અને ત્રણ બાઇકને પણ અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે અડફેટે લીધેલા બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જ્યારે બે બાળકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે બાળકોને મૃત જાહેર કર્યા હતા.
પાદરા પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે મૃતક બંને બાળકોના માતા પિતા સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તે બાળકોને મૃત જાહેર કરવામાં આવતા માતમનો માહોલ છવાઈ ગયો હતો. જેમાં મોટા પુત્રની ઉંમર 13 વર્ષ અને નાના પુત્રની ઉંમર 6 વર્ષ છે. બંને મૃત બાળકોનું સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવ અંગે પાદરા પોલીસે બે બાળકોને અકસ્માતમાં ગુમાવનાર રમેશભાઈ સોનેની ફરિયાદને આધારે લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.