- ડાંગ જિલ્લામાં મે મહિનામાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો
- કોરોનાનાં કારણે મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે
- વેક્સિનેશન અને પ્રજાજનોની સ્વયંશિસ્ત કોરોનાને દેશવટો આપશે
ડાંગ: પ્રજાજનોને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસને અનેકવિધ પગલાઓ લઈને જાહેર સ્વાસ્થ્ય અને સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ જિલ્લાના જાગૃત જનપ્રતિનિધિઓએ પણ વ્યાપક જનસમર્થન કેળવીને કોરોના સામેની લડાઈમા અગ્રેસર ભૂમિકા ભજવતા, ગત માસની સરખામણીએ મે માસના પ્રથમ અને દ્વિતિય સપ્તાહના અંતે કોરોનાના રિકવરી રેટ અને મૃત્યુ દરમાં ખાસ્સો એવો સુધારો વર્તાયો છે. જેને લઈને ડાંગ જિલ્લામાં આશાનુ નવુ કિરણ દેખાઇ રહ્યુ છે.
ડાંગમાં મે મહિનામાં રિકવરી રેટ અને ડેથ રેટમાં ઘટાડો
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં ગત માસ એટલે કે એપ્રિલ 2021 દરમિયાન કોરોનાના નવા નોંધાયેલા 305 કેસોની સામે 189 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેથી અહીં એપ્રિલ માસનો રિકવરી રેટ 61 ટકા નોંધાયો હતો. જ્યારે ચાલુ માસ એટલે કે મે 2021 દરમિયાન એટલે કે તા.7/5/2021 સુધી નવા 77 કેસો સામે 116 દર્દીઓને તેઓ સાજા થતા રજા આપવામા આવી હતી. જેથી મે માસના પ્રથમ સાત દિવસનો ડાંગ જિલ્લાનો રિકવરી રેટ 150.64 ટકા જેટલો રહેવા પામ્યો હતો. સાથે ડાંગ જિલ્લામા માહે એપ્રિલ અંતિત નોંધાયેલા 489 કેસો સામે 18 દર્દીઓના અવસાન (ડેથ રેટ 4.9 ટકા) પણ નોંધાયા છે. જેની સામે મે માસના પ્રથમ સાત દિવસો દરમિયાન નોંધાયેલા 77 નવા કેસો સામે 3 અવસાન (ડેથ રેટ 3.89 ટકા) નોંધાયો હતો.
મે મહીનાનાં બીજા સપ્તાહમાં ફક્ત 1 મોત
બીજા સપ્તાહમાં ગત તા.8/5/2021 થી તા.14/5/2021 સુધી ડાંગ જિલ્લામાં નોંધાયેલા 62 કેસો સામે 60 દર્દીઓ સાજા થતા અહીં બીજા સપ્તાહનો રિકવરી રેટ 96.77 ટકા નોંધાયો છે. જ્યારે સપ્તાહ દરમિયાન એક દર્દીનું અવસાન થતા ડાંગ જિલ્લાનો બીજા સપ્તાહનો મૃત્યુ દર 1.61 ટકા રહેવા પામ્યો છે.
જિલ્લામાં અત્યાર સુધી 35072 લોકોને વેક્સિન આપવામાં આવી
ડાંગના પ્રજાજનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક રીતે 'વેકસીનેસન' ની કામગીરી પણ ચાલી રહી છે. જે મુજબ જિલ્લામા તા.14/5/2021 સુધી 2101 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4919 (98 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને 28052 (45+) 48 ટકા નાગરિકો મળી કુલ 35072 લોકોને વેક્સિન આપી દેવામા આવી છે.
આવનાર સમયમાં ડાંગ કોરોનામુક્ત બનશે તેવી સંભાવના
ડાંગવાસીઓની સ્વયં શિસ્ત સાથે 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનને કારણે આગામી દિવસોમા ડાંગ જિલ્લાને ફરીથી 'કોરોના મુક્ત' બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરતા પ્રસાશનિક અધિકારીઓના પ્રયાસોમા પ્રજાકીય ઇચ્છાશક્તિ ભળતા ડાંગ જિલ્લામાથી 'કોરોના' ને ટૂંક સમયમા જ 'ગામવટો' અપાશે તેવો હકારાત્મક માહોલ હાલ તો ખડો થવા પામ્યો છે.