કોરોનાને હરાવવા માટે કુતિયાણાના ગ્રામજનોની કામગીરી
શિક્ષકોએ રૂ. 2.50 લાખ સહિત લોકોએ બે દિવસમાં રૂ. 4.50 લાખનો ફાળો આપ્યો
ગેસ વેલ્ડીંગના કારીગરોએ ઓક્સિજન માટે ગેસના સિલિન્ડર આપ્યા
આરોગ્ય કર્મચારીએ કોઠાસુઝથી ઓક્સિજન ફલોમીટર બનાવ્યા
વહીવટી તંત્રના સંકલન હેઠળ દર્દીઓને ફળોના જ્યૂસ અને જમવાની સુંદર વ્યવસ્થા
કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું
પોરબંદર: કુતિયાણામાં કોરોનાના દર્દીની તબિયત ઓક્સિજનનું લેવલ ઓછું થતાં ક્રિટીકલ થાય તો એકદમ નજીકમાં કોઈ મોટું સેન્ટર ન હોવાથી દર્દીની પરિસ્થિતિ ગંભીર બની જાય. આ ચિંતા તેમજ પોરબંદર જિલ્લા મથકની સિવિલ હોસ્પિટલમાં ભારણ ઘટે તે માટે જિલ્લા કલેકટર ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીના માર્ગદર્શન હેઠળ કુતિયાણાની વહીવટી અને આરોગ્ય તંત્રની ટીમે લોક સહયોગ મેળવીને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને મારુ ગામ કોરોનામુક્ત ગામને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનુ સંકલન મામલતદાર એસ.જી. જાદવ અને તાલુકા હેલ્થ ઓફિસરડો.એ.એસ.બાબરિયા કરી રહ્યા છે.
રેમડેસિવીરથી માંડીને તમામ પ્રકારની દવા ઉપલબ્ધ
કુતિયાણાના કોવીડ કેર સેન્ટરમાં કોઈ બાબતની ઉણપ નથી. દર્દીનુ ઓક્સિજન લેવલ ઘટી જાય તો તાત્કાલિક ઓક્સિજન મળી જાય છે. રેમડેસિવીરથી માંડીને તમામ પ્રકારની દવા ઉપલબ્ધ છે. સરકારી તબીબો અને પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક દર્દીઓની સારવાર સેવા કરે છે. મામલતદાર સંદીપ જાદવે કુતિયાણામાં થયેલી સફળ કામગીરીની વિગત આપતા કહ્યું કે હાલ અમારી પાસે 10 બેડ ઓક્સિજન સાથે ઉપલબ્ધ છે. જેમાં દર્દી સારવાર લઇ રહ્યા છે. હજુ એકાદ દર્દી ઓક્સિજન વાળા આવે તો પણ વ્યવસ્થા થઈ જાય તેવી સ્થિતિ છે.
તેમણે કહ્યું કે ગામના બધા જ લોકોનો એટલો સહકાર મળ્યો છે કે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ગેસ વેલ્ડીંગ કારીગરોએ ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે ગેસ સિલિન્ડર આપી દીધા. આરોગ્ય કેન્દ્રના કર્મચારી અનીલ બોખતરિયાએ ઓક્સિજનના સિલિન્ડર પર ઓક્સિજન પ્રેશર માટે લગાડવામાં આવતું ફલોમીટરની અછત હોવાથી પોતાની કોઠાસુઝથી બનાવી વ્યવસ્થા કરતા દર્દીઓને રાહત થઇ હતી.
કુતિયાણાના શિક્ષક સંઘે આગળ આવીને એક જ દિવસમાં રૂપિયા 2.50 લાખનો ફાળો
કુતિયાણાના શિક્ષક સંઘે આગળ આવીને દર્દીઓની તાત્કાલિકની વ્યવસ્થાઓ માટે રૂપિયા 2.50 લાખનો ફાળો એક જ દિવસમાં આપ્યો અને અન્ય આગેવાનો લોકોએ પણ ફાળો આપતા ટીમ પાસે રૂપિયા 4.50 લાખ જેવી રકમ થઈ જતા દર્દીઓને બધી જ વ્યવસ્થાઓ વિનામૂલ્યે મળે છે.
આ દર્દીઓને બે ટાઈમ ફળોના જ્યૂસ, ચા-પાણી અને બે ટાઇમ જમવાનું આપવામાં આવે છે. જુદી જુદી દવાઓ જરૂર પડે મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને દર્દીને વિનામૂલ્યે આપવામાં આવે છે. ફાળામાંથી 3 ઓક્સિજન કોન્સેન્ટરાટર ખરીદવામાં આવ્યા છે. જેથી રિફિલિંગ કરવાની કામગીરીમાંથી રાહત મળે. બધી જ કામગીરીમાં તંત્રને લીલાભાઈ રાવલીયા અને નાગેશભાઈ પરમાર સહિતના યુવાનો પણ સહયોગ મળ્યો છે.