હોસ્પિટલોમાં મૂકવાની જગ્યાએ ઉદ્ઘાટનમાં મુકાયા વેન્ટિલેટર
ગાંધીનગર મનપામાં અત્યાર સુધી એમ્બ્યુલન્સ નહોતી
એમ્બ્યુલન્સ સાથે 5 વેન્ટિલેટર વધારાયા
કોરોનામાં પણ નેતાઓને ઉદ્ઘાટનનો મોહ
ગાંધીનગર : ગાંધીનગર મનપા દ્વારા હોસ્પિટલ માટે 2 એમ્બ્યુલન્સ અને 5 વેન્ટિલેટર ફાળવાયા હતા. જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરકારી ગ્રાન્ટમાંથી ફાળવાયેલા વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સનું ભાજપ પક્ષના નેતાઓએ ઉદ્ઘાટન કર્યું હતું. જો કે અત્યાર સુધી ગાંધીનગર મનપામાં એક પણ એમ્બ્યુલન્સ જ નહોતી. કોરોનામાં લોકોને એમ્બ્યુલન્સને લઈને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. જેનો લાભ હવેથી લોકોને મળશે. વેન્ટિલેટરની તો મોટી જરૂરિયાત છે તેવામાં 5 વધારાયા છે. જો કે પાંચ પણ અત્યારની સ્થિતિમાં ઓછા પડે તેમ છે.
ગાંધીનગર મનપા કાર્યાલય ખાતે યોજાયો ઉદ્ઘાટન સમારંભ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રકારે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સ વધારવી એ એક લોકસેવા છે. આ લોકસેવાના બદલે ગુજરાત ભાજપના નેતાઓને લોકાર્પણનો મોહ વધારે છે. પ્રજાના ટેક્સમાંથી આવેલા આરોગ્ય સંશાધનોનું જ ઉદ્ઘાટન થાય છે.
લોકોએ અમદાવાદથી 15 હજાર ખર્ચી એમ્બ્યુલન્સ મંગાવવી પડતી હતી
અત્યાર સુધી સિવિલમાં એમ્બ્યુલન્સ નહોતી. મેયર રીટા પટેલે કહ્યું કે, સિવિલથી પ્રાઇવેટ હોસ્પિટલો દર્દીને ખસેડવાના હોય છે ત્યારે લ 108 પણ વેઇટીંગમાં હોય છે. માટે લોકોએ અમદાવાદથી 15 હજાર રૂપિયા ખર્ચી એમ્બ્યુલન્સ મંગાવવી પડતી હતી. તે છતાં પણ ક્યારેક એમ્બ્યુલન્સ નહોતી મળતી. જેથી કોરોનાની આ સ્થિતિને જોતા નવી એમ્બુલન્સનો તત્કાલ આદેશ આપતા બે એમ્બ્યુલન્સ કાર્યરત કરાઇ છે. પાંચમાંથી કેટલાક વેન્ટિલેટર જરૂર મુજબ હોસ્પિટલોને આપી પણ દેવાયા છે.