ડાંગઃ ડાંગ જિલ્લામાં આવેલા માર્ગો પૈકી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ હસ્તકના 7 માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે સ્ટેટ અને નેશનલ હાઈવે રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે ચાલુ રહ્યા છે.
સૂપદહાડ - મોટાબરડાં- લહાનબરડાં- સૂર્યાબરડા લો લેવલ કોઝવે
કુડકસ - કોશીમપાતળ રોડ પણ ઓવર ટોપીગને કારણે અવરોધાયો છે
સતી વાગણ કુતરનાચીયા રોડ
બોરખલ - ગાયખાસ - ચવડવેલ રોડ
ધૂલચોન્ડ રોડના કોઝ વે પર ઓવર ટોપીગને કારણે અવરોધાયો છે
આમ 16 ઓગસ્ટ 2020ના રોજ 8 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાનાં 7 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. આ માર્ગ બંધ થતાં પ્રજાજનોને જિલ્લા પ્રશાસને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૂચવેલા માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.
ડાંગ કલેક્ટર એન. કે. ડામોરના જણાવ્યા મુજબ ડાંગ જિલ્લાની વિશિષ્ટ પરિસ્થિતિ જોતા અહીંની નદીઓમાં વરસાદને કારણે લો લેવલ કોઝવે ઉપર પાણી ભરાઈ જવું એ સ્વાભાવિક છે તેમ જણાવી વરસાદ બંધ થતા આવા માર્ગો સામાન્ય રીતે ત્રણ ચાર કલાકમાં વાહન વ્યવહાર માટે ખુલ્લા થઈ જતા હોય છે, તેમ જણાવ્યું છે.
પ્રજાજનોને વરસાદી પાણીને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહીં કરવા અને અન્ય વૈકલ્પિક માર્ગો પર આવન-જાવન કરવાની અપીલ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ડાંગ જિલ્લામાં 24 કલાક દરમિયાન સરેરાશ 72.25 મી.મી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 932 મી.મી. નોંધાયો છે.