ખેડા: જિલ્લાના નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા જિલ્લાના 4 દર્દીઓને મંગળવારે રજા આપવામાં આવી હતી. તેઓનો મંગળવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જિલ્લાના રસિકપુરા ગામના 43 વર્ષીય મહેન્દ્રકુમાર પરમાર, નડિયાદના ટુંડેલ ગામના 21 વર્ષીય ક્રિષ્નાબેન ગોહિલ, કઠલાલના 32 વર્ષીય સિરાજ મલેક અને રસિકપુરાના 32 વર્ષીય ગીરીશભાઈ પરમારને મંગળવારે રજા આપવામાં આવી હતી.
આ સાથે જ કોરોના હોસ્પિટલમાં જન્મેલા જિલ્લાના પ્રથમ બાળકે પણ ઘર તરફ પ્રયાણ કર્યુ હતું. ટુંડેલ ગામમાં રહેતા હરમાનભાઈ ગોહિલ ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. તેઓના પત્ની ક્રિષ્નાબેનને ડિલિવરીનો સમય નજીક હતો, ત્યારે ક્રિષ્નાબેનને કોરોના વાઇરસનો ચેપ લાગતા તેમને સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હરમાન ભાઈએ જણાવ્યું કે, ડીલિવરીના સમયે મારી પત્નીને હોસ્પિટલમાં દાખલ કરેલા હતા, જેથી મને ખુંબ ચિંતા થતી હતી, પરંતુ આ હોસ્પિટલની સારવાર સાથે દેખરેખ સારી થતી હોવાથી બધુ સારૂ થશે તેવો વિશ્વાસ પણ હતો અને આખરે ડિલીવરીનો સમય આવતા હોસ્પિટલમાં દાખલ કરેલી મારી પત્નીની નોર્મલ ડિલિવરી દ્વારા અમારા કુટુંબને એક તંદુરસ્ત બાળક જનમ્યું અને તે પણ કોરોના મુક્ત હતો જેથી અમને ખુબ આનંદ થયો. તેમજ કોરોના ગ્રસ્ત માતાની કુખે તંદુરસ્ત બાળકનો જન્મ થયો હોય તેવી ખેડા જિલ્લાની આ પ્રથમ ઘટના હશે તેમ હરમાનભાઈએ ઉમેર્યું હતું. દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વાસ્થ્ય અંગે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.