● પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ કાળમાં આવશ્યક સામગ્રીનું પરિવહન
● 10 દિવસમાં 8 મિલિયન ટન સામગ્રીનું પરિવહન
● ગત વર્ષ કરતા 53.26 ટકાનો વધારો
અમદાવાદઃ ગત 1 એપ્રિલ, 2021 થી 10 મે, 2021 સુધી પશ્ચિમ રેલ્વેએ તેની વિવિધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 36 હજાર ટનથી વધુ વજનની ચીજવસ્તુઓ પરિવહન કરી છે, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી ઉપકરણો, માછલી, દૂધ વગેરે શામેલ છે. જેના પગલે આશરે 12.44 કરોડની આવક થઈ હતી. પશ્ચિમ રેલ્વે દ્વારા 14 હજાર ટનથી વધુ દૂધ વહન કરવામાં આવ્યું હતું. સાથે જ 20 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને 100% વેગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, 23 કોવિડ -19 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને 4593 ટન આવશ્યક ચીજવસ્તુઓ પરિવહન કરવામાં આવી હતી. આ ઉપરાંત, 8814 ટન વજનવાળા 17 ઇંડેંટેડ રેક્સ પણ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના ઉત્પાદનો અને આર્થિક તથા ઝડપી પરિવહન માટે નવા બજાર પૂરા પાડવા માટે, આ સમયગાળા દરમિયાન લગભગ 8733 ટન જેટલા કુલ ભારણ વાળી 38 કિસાન ટ્રેનો પણ વિવિધ મંડળોથી દોડાવવામાં આવી હતી.
8464 માલવાહક ટ્રેનોનો ઉપયોગ
1 એપ્રિલ, 2021 થી 10 મે, 2021 દરમિયાન, 8 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓની પરિવહન માટે કુલ 3837 રેક ગુડ્સ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 8464 માલવાહક ટ્રેનોને અન્ય ઝોનલ રેલવે સાથે ઇન્ટરચેન્જ કરવામાં આવી, જેમાં અલગ અલગ ઇન્ટર ચેન્જ પોઇન્ટ પર 39,413 ટ્રેનોને હેન્ડઓવર કરવામાં આવી.