- ડાંગ LCB પોલીસે 1 જુગારીની ધરપકડ કરી 9ને વોન્ટેડ જાહેર કર્યા
- જુગાર પ્રવૃત્તિને ડામવા માટે આહવા તાલુકાનાં ગામડાઓમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું
- જુગારીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કરતા અસામાજિક તત્વોમાં ખળભળાટ
ડાંગઃ ડાંગ જિલ્લાની એલ.સી.બી પોલીસની ટીમે આહવા તાલુકાનાં ગાઢવી ગામે જુગારીઓ પર રેડ કરી હતી. જેમાંથી 1 પકડાયો હતો જ્યારે 9 જુગારીઓ નાસી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ LCB પોલીસની ટીમ જુગાર પ્રવૃત્તિને ડામવા માટે આહવા તાલુકાનાં ગામડાઓમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન ડાંગ LCB પી.એસ.આઈ.પી.એચ.મકવાણાને આહવા તાલુકામાં સમાવિષ્ટ ગાઢવી ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે ડાંગ LCB પોલીસની ટીમ ગાઢવી ગામે રેડ કરતા જાહેરમાં ગેરકાયદેસર તીન પત્તીનો પૈસા વડે જુગાર રમતા કેટલાક ઈસમો મળી આવ્યા હતા.
ડાંગ LCB પોલીસની ટીમે ઘટના સ્થળેથી એક જુગારીની ધરપકડ કરી રૂપિયા 940નો મુદામાલ કબ્જે કરી નાસી છુટેલા 9 જેટલા શકુનીમામા જુગારીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કરતા અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.