- રાજકોટ જેલમાં કેદીઓ મોબાઈલ સીમકાર્ડની લેવડદેવડ કરતા ઝડપાયા
- પાકા કામના કેદીઓ દ્વારા સીમકાર્ડની થઈ લેવડ દેવડ
- એરટેલ કંપનીના સીમકાર્ડ મેળવી રહ્યા હતા કેદીઓ
રાજકોટઃ રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી અગાઉ બેરેક અને જેલ કમ્પાઉન્ડમાંથી મોબાઇલ ફોન, ચાર્જર, બેટરી, સીમકાર્ડ તેમજ પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળવાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ મામલે સીટની રચના પણ કરી હતી. ત્યારે રાજકોટ જેલમાંથી વધુ એક વખત જેલ અંદર સર્કલ-૧માં યાર્ડ નં. ૧૦ની બેરક નં. ૧૧ પાસે માટલાના ઢાંકણા પાસેથી મોબાઇલ ફોનનું સીમ કાર્ડ એક કેદી દ્વારા મુકવામાં આવ્યું હતું. જયારે બીજા કેદી દ્વારા આ કાર્ડને લેવામાં આવ્યું હતું. આ બન્ને પાકા કામના કેદી સીમકાર્ડની લેવડદેવડ કરતા ઝડપાયા છે.
પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં નોંધાયો ગુનો
સમગ્ર મામલે જેલર દ્વારા પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં કેદી અકિલ વલીભાઇ સૈયદ અને વોચમેન ભાવેશ વશરામભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જેલમાં મારી ડ્યુટી હતી તે સમયે સર્કલ 11 યાર્ડ નં. 10ની બેરેકમાં નં. 11માં રાખવામાં આવેલા પાકા કામના કેદી અકીલ સૈયદને પાણીના માટલાના ઢાંકણા ઉપરથી સીમકાર્ડ લેતાં જેલ
સહાયક જયદેવભાઇ મકવાણા જોઇ ગયા હતાં. આ સીમકાર્ડ વોચમેન કેદી ભાવેશ વશરામભાઇએ મુકયું હતું.
સીમકાર્ડને FSL તપાસમાં મોકલવામાં આવ્યું
જેલર દ્વારા ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે આ સીમકાર્ડ એરટેલ કંપનીનું છે. જે જેલમાં પ્રતિબંધીત હોઇ બંને પાકા કેદીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જ્યારે કેદીઓ પાસેથી મળી આવેલું સીમકાર્ડ હાલ FSL તપાસ અર્થે પણ મોકલવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં FSL રિપોર્ટ આવ્યા બાદ આ સીમકાર્ડનો શુ ઉપયોગ થયો હતો અને જેલમાંથી કેદીઓ કોની સાથે વાત કરતા હતા એ સમગ્ર હકીકત બહાર આવી શકે છે.