વર્ષ 2008ની 26મી નવેમ્બરના દિવસે મુંબઈની તાજ હોટેલમાં આતંકી કસાબ અને તેના સાથીઓએ હુમલો કર્યો હતો. જેમાં કેટલાય પોલીસ જવાનો મુંબઈ આવેલા અને હોટેલ તાજમાં રોકાયેલા પ્રવાસીઓ અને માછીમારોને નિર્દયતા પૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પોરબંદરની કુબેર બોટના ટન્ડેલ અને દીવના રહેવાસી માછીમાર અમરચંદ પણ મૃતકોની યોદીમાં સામેલ હતા. ઘટનાને 11 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ સુધી મૃતકના પરિવારજનોને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મરણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. જે કારણે મળવા પાત્ર સહાય માછીમારનાં પરિવારને મળતી નથી. જે કારણે મૃતકનો પરિવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
સરકારી નિયમોની આંટીઘૂંટીમાં ફસાયેલો અમરચંદનો પરિવાર સરકારી પ્રમાણપત્રને લઈને દુઃખી જોવા મળી રહ્યો છે. સરકારના નિયમો મુજબ કોઈપણ માછીમારનું દરિયામાં મોત થાય અને તેવા સંજોગોમાં તેમનો મૃતદેહ ના મળે તો ઘટનાનાં 7 વર્ષ બાદ ગુમ થયેલા માછીમારોને મૃતક માની લેવામાં આવે છે. જે બાદ વ્યક્તિને મૃત માની સરકાર તેના પરિવારને સહાય આપે છે. તાજ આતંકી હુમલાને 11 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં સરકાર દ્વારા અમરચંદ માછીમારને મૃતક માનવામાં આવતો નથી, જેને કારણે તેના પરિવારને સરકારી સહાય મેળવી શકતો નથી.
વર્ષ 2008ના આતંકી હુમલાનાં આરોપી કસાબે અમરચંદની હત્યા મુંબઈ પહોંચ્યા બાદ કરી તેની લાશ દરિયામાં ફેંકી દીધી હતી. જે બાદ તાજ હોટલ પર હુમલો કર્યો હતો. કસાબ દ્વારા કુબેર બોટના અંતિમ માછીમાર અમરચંદની હત્યા કરી, તે હોટલ તાજ પર પહોંચ્યા હતો. સરકારી નિયમોની આંટીઘૂંટી અને તંત્રની બેદરકારીની 11 વર્ષ બાદ પણ અમરચંદ જીવિત હોય તેવું તંત્ર માની રહ્યું છે. જેને લીધે મૃતક માછીમારનો પરિવાર ભારે દુઃખી છે. જ્યા સુધી સરકાર દ્વારા મરણ પ્રમાણપત્ર ના આપવામાં આવે, ત્યાં સુધી અમરચંદનો પરિવાર કોઈ પણ પ્રકારની સહાય માટે પાત્ર બનતો નથી. હવે જોવું એ રહ્યું કે, સરકાર અમરચંદને ક્યારે મૃતક માને છે.