અમદાવાદ: અમદાવાદ શહેરથી રાજ્યના દરેક જિલ્લામાં જવા માટેની એસ ટી બસ વ્યવસ્થા ધરાવતું ગીતા મંદિરનું બસ સ્ટેશન અમદાવાદના કોટ વિસ્તારમાં આવવાને લીધે રેડ ઝોનમાં ગણાતું હતું. જેથી લોક ડાઉન ખુલ્યા બાદ પણ ગીતા મંદિરના એસ ટી બસ સ્ટેશનને શરૂ કરવામાં આવ્યું ન હતું.
હવે અનલૉક-2માં 2 જુલાઇથી આ બસ સ્ટેશન સરકારની ગાઈડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે ફરી શરૂ થશે.
જો કે હાલમાં અમદાવાદના પરા વિસ્તારમાંથી આવતી બસનું સંચાલન ગીતામંદિરથી થશે નહીં.
ઉત્તર ગુજરાત જેમ કે, મહેસાણા, પાલનપુર, હિંમતનગર વિભાગ દ્વારા સંચાલિત અને દક્ષિણ ગુજરાત તેમજ પંચમહાલ, ખેડા- નડિયાદ અને આણંદ તરફ આવતી-જતી બસનું સંચાલન ગીતા મંદિર બસ સ્ટેન્ડથી કરવામાં આવશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ તરફથી સંચાલન પામતી અને દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત જતી બસો પણ ગીતા મંદિરથી સંચાલિત થશે.
એટલે કે,હાલ અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશનથી ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં જતી બસ ઓછી હશે.પરંતુ જુદા જુદા ઝોનમાંથી વાયા અમદાવાદ જતી બસનું સંચાલન વધુ હશે.