- ડાંગના સુબીરમા બસસ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી
- વૃક્ષ ધરાશાયી થતા બે બાઇકનેે નુકસાન
- કોઈ જાનહાનિ ન પહોંચતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
ડાંગઃ જિલ્લાનાં નવરચિત સુબીર તાલુકા મથકનાં બસસ્ટેન્ડ નજીક બુધવારે એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ બનાવમાં 2 બાઇકને નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાનિ ન પહોંચતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં નવરચિત સુબીર તાલુકા મથકે આવેલા બસસ્ટેન્ડ નજીક બુધવારે જૂના સમયનું તોતીંગ વૃક્ષ સડીને ધરાશાયી થતા અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ વૃક્ષની અડફેટમાં બે પાર્કીંગ કરાયેલી બાઇક પણ આવી જતા નુકસાન થયું હતું.
ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે બુધવારે વરસાદી માહોલે પણ વિરામ લીધો હતો. તેવામાં બસસ્ટેન્ડ નજીક જૂનું તોતિંગ વૃક્ષ એકાએક માર્ગની વચ્ચોવચ ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સાથે સુબીર ગામનો માર્ગ પણ અવરજવર માટે બંધ થયો હતો.
વૃક્ષ ધરાશાયી થયાની જાણ ડાંગ સ્ટેટ માર્ગ મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર અમિશ પટેલ સહિત સુબીર રેંજનાં આર.એફ.ઓ.અનિલભાઈ પ્રજાપતિ તેમજ તાલુકા વિકાસ અધિકારી સી.ડી.વ્યવહારને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ ધરાશાયી થયેલા વૃક્ષને માર્ગમાંથી ખસેડી માર્ગને પૂર્વરત કર્યો હતો..