ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઇ છે.
સીએમ રૂપાણીએ 14 જિલ્લાઓની સ્થિતિની વિગતો મેળવી
બચાવ કામગીરીની સમીક્ષા માટે વિડીયો કોન્ફરન્સ
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયાકિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર વગેરે અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત છે.
રાહત કાર્ય અને નુકશાન તેમજ બચાવ કામગીરીની સમિક્ષા માટે વિડીયો કોન્ફરન્સ શરૂ
જ્યાંથી વાવાઝોડું પસાર થયું છે તે વિસ્તારને લઈને પણ સમિક્ષા વિડીયો કોન્ફરન્સમાં વાતચીતનો દોર શરૂ કરાયો છે. મુખ્યમંત્રીએ ગઈરાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહી સાયકલોન મેનેજમેન્ટની આગવી સંવેદના દર્શાવી હતી.
મુખ્યપ્રધાને વાવાઝોડા અને વરસાદની સ્થિતિ, રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પ્રાપ્ત કરી
મોડીરાત સુધી કન્ટ્રોલરૂમમાં રહ્યા બાદ સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને મુખ્યપ્રધાને ગઈરાત્રિની વાવાઝોડા, વરસાદની સ્થિતિ, નુકસાન અને રોડ રસ્તા, બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યપ્રધાને એ રાજ્યના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ, પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.