અમદાવાદઃ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ-2020ની પરીક્ષાઓ આજથી શરૂ થવા જઈ રહી છે. સતત ત્રણ વખત મોકૂફ રાખ્યા બાદ આજે કોરોના અને વરસાદની વચ્ચે પરીક્ષા શરૂ કરવામાં આવી છે. 600થી વધારે સેન્ટર પર હાલ આ પરીક્ષા ચાલી રહી છે.
રાજ્યના વિવિધ અભ્યાસક્રમોમાં ભણતા 1.27 લાખ ઉમેદવારો આજે ગુજકેટની પરીક્ષા આપશે. આ માટે 34 કેન્દ્રો અને 6431 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોરોનાના કાળમાં પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે કોવિડની ગાઈડલાઈન મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ, ટેમ્પ્રેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે.
અગાઉ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ 2020ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા પહેલા 22 ઓગસ્ટ, 2020ના રોજ યોજાવાની હતી, પરંતુ હવે આ પરીક્ષા આજે લેવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા બપોર 4 વાગ્યા પૂર્ણ થશે.
નોંધનીય છે કે, અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે, ગણેશોત્સવ અને સંવત્સરીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજકેટ-2020 પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યા અનુસાર, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ-2020ની પરીક્ષામાં ગ્રુપ-Aમાં 49, 888 અને ગ્રુપ-Bમાં 75,519 અને ગ્રુપ-AB 374 એમ કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.