તાપી: આદિવાસી બહુલ વિસ્તાર તાપી જિલ્લામાં સરકાર અવનવા પ્રોજેક્ટો આપી રહી છે ત્યારે સ્થાનિક લોકો જળ, જંગલ, જમીન બચાવવા તેનો વિરોધ ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈને કરી રહ્યા છે. તાપીમાં સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવતાં આદિવાસીઓએ ભેગા થઈને તેનો વિરોધ કર્યો હતો.
'અમે તાપી જિલ્લામાં હોસ્પિટલ બચાવવા માટે ભેગા થયા છીએ. તાપી જિલ્લામાં એક માત્ર સરકારી હોસ્પિટલ છે અને તેનું પણ ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. ટોરેન્ટ નામની પ્રાઇવેટ કંપનીને 1 રૂપિયાના ટોકનના ભાવે 34 વર્ષના લીસ એગ્રીમેંટ પર ખાનગી કંપનીને આપી છે એ અમે કોઈપણ હિસાબે ચલાવી લઈશું નહીં. કારણ કે આ એક દવા બનાવતી કંપની છે જે આદિવાસીઓ પર અવનવા પ્રયોગો કરશે. સરકાર વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લે છે અને અમને આર્થિક રીતે ખતમ કરવા માંગે છે અને મજૂરી તરફ સરકાર અમને ધકેલવા માંગે છે.' - પ્રજ્ઞેશ ગામીત, આદિવાસી આગેવાન
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર: તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ, નેશનલ હાઇવેમાં ખેડૂતોની જમીન સંપાદનનો વિરોધ જેવા આદિવાસી સમાજને નડતા પ્રશ્નો અંગે ચર્ચા કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતીકે તેમના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી નહિ આવશે તો રસ્તા રોકો, ટ્રેન રોકો સહિત કલેકટર કચેરીએ તાળાબંધી જેવા જલદ કાર્યક્રમો કરશે.
વિવિધ માંગોને લઈને અધિકાર પદયાત્રા: તાપી જિલ્લામાં વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા વિવિધ માંગોને લઈને અલગ અલગ જગ્યાઓ પરથી ગત સાતમી સપ્ટેમ્બરથી અધિકાર પદયાત્રાનો આરંભ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ યાત્રા ગત 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાના ઉદમગડી ગામથી થઈ જાહેરસભામાં પરિવર્તિત થઇ હતી.