તાપી: વ્યારા ખાતે દિવાળી પૂર્વે નિમિતે યોજાઈ રહેલ હસ્તકલા મેળામાં રાજ્યનાં મંત્રી કુંવરજી હળપતિ એ મુલાકાત લીધી હતી જેમાં સ્થાનિક કલાકારો દ્વારા હાથે બનાવેલ ચીજ વસ્તુઓના પ્રદર્શન સ્ટોલ પરથી વિવિધ હાથ બનાવટની વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું વોકલ ફોર લોકલનાં વિઝનને ધ્યાનમાં રાખી આજે ખરીદી કરવા આવ્યાં છે. તમામ લોકોએ સ્થાનિકો જોડે ખરીદી કરી સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા જોઇએ જેથી સ્થાનિક લોકો આર્થિક રીતે મઝબુત તો આપડો ભારત દેશ આત્મનિર્ભર બનશે.
વોકલ ફોર લોકલને પ્રાધાન્ય: ગાયના છાણમાંથી બનેલા રંબેરંગી દિવડા, મેક્રેમની વિવિધ દોરીની બનાવટો, વારલી પેઇન્ટીંગસ, રેકઝીન આર્ટ, વાંસકામની બનાવટની વિવિધ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈનને વેગવાન બનાવવામાં આવ્યુ છે. વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી પુરી પડવાના ઉદ્દેશ્યથી તાપી જિલ્લામાં હસ્ત કલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્ત કલા’ પ્રદર્શન થકી લોકલ કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવી રહ્યું છે.
'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે તેઓનું વિઝન છે-“વોકલ ફોર લોકલ”. જેમાં સ્થાનિકોની હાથ બનાવટની પ્રોડક્ટસ અંગે વધુ માં વધુ લોકો જાણે અને તેની ખરીદી કરી સ્થાનિકોને આર્થીક પગભર બનાવવામાં ભાગ ભજવે. જેથી ભારત દેશ આત્મનિર્ભર બની શકે.' -કુંવરજી હળપતિ, રાજ્ય સરકારનાં આદિજાતિ મંત્રી
દિવાળીની શુભકામનાઓ: મુલાકાતના અંતે મંત્રીશ્રીએ તમામ સ્ટોલ ધારકો સાથે ગૃપ ફોટો લઇ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન નગરપાલીકાના માજી પ્રમુખ સેજલ રાણા સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ વિવિધ ખરીદીઓ કરી ‘વોકલ ફોર લોકલ’ બનવાની નેમ લીધી હતી.