તાપી : અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તાર માંથી પસાર થનાર વન સેતુ ચેતના યાત્રા સતત પાંચ દિવસ સુધી 14 જિલ્લાના 51 તાલુકાઓમાં ફરી સરકારની સિદ્ધિઓ અને વિકાસ કાર્યોની ઝાંખી કરાવશે. તાપી જિલ્લામાં આવી પહોંચેલ આ યાત્રામાં મંત્રી મુકેશ પટેલ, મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ સભ્ય પ્રભુ વસાવા તેમજ નિઝર બેઠકના ધારાસભ્ય જયરામ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસદ સભ્ય પ્રભુ વસાવા તેમજ ધારાસભ્ય જયરામ ગામીતએ આદિવાસીઓ સાથે લોક નૃત્ય કરીને ઉપસ્થિતઓનો ઉત્સાહ વધાર્યો હતો. બીજી તરફ મંત્રી મુકેશ પટેલએ પ્રાસંગીક ઉદબોધન કરીને કાર્યક્રમનો ઉદેશ્ય સ્પષ્ટ કર્યો હતો.
ઉનાઈથી શરૂ થયેલ આ યાત્રા 14 જિલ્લાઓ ફરીને સાથે 51 જેટલા ટ્રાઈબલ અને વન વિસ્તાર ના તાલુકાઓમાં ફરીને 22 તારીખે આ યાત્રા માતા જગદંબાના ધામ અંબાજી પહોંચવાની છે. વનબંધુ કલ્યાણ યોજના જે 15 હજાર કરોડથી ચાલુ કરી ને આજે 1 લાખ કરોડ થી વધુ એનો વિસ્તાર પહોંચ્યો છે. 30 વર્ષમાં જે સરકાર ની સિદ્ધિ છે તે અમે લોકોની સમક્ષ લઈ ને જઈ રહ્યા છીએ. 22 તારીખે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, ત્યારે સકારાત્મક વાતાવરણ ગામે ગામ થાય આ સાથે 22 તારીખે ફરી દિવાળી ઉજવવાની અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી. - પ્રભારી મંત્રી મુકેશ પટેલ
યાત્રાનો હેતું જાણો : 'વન સેતુ ચેતના યાત્રા'નો ઉદ્દેશ્ય દરેક લોકોને વન સાથે જોડવાનો છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 2023-24 ના વર્ષમાં રૂપિયા 47,00 કરોડની જોગવાઈ કરી છે. આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની ડીએલએસએસની વિદ્યાર્થીનીઓ જેમણે રાજ્ય કક્ષાએ વિવિધ સ્તરોએ વિજેતા બની તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.