તાપી: લોકોના ઘરના વેરાનો વધારો કરવામાં આવે તો ચોક્કસ તેઓ ક્યારે પણ માન્ય રાખશે નહીં. કારણે આજના સમયમાં મોંઘવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં વેરામાં વધારો થાય તો લોકોને તકલીફ તો થવાની જ છે. ત્યારે તાપી જિલ્લાની ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાની કારોબારી સભામાં વેરા વધારા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે નગરજનો દ્વારા તેનો વિરોધ કર્યો હતો. જે અંગે નગરજનો પાસે વેરા વધારા અંગેની વાંધા અરજી મંગાવી કાર્યવાહી કરાઈ હતી.જેની આજે લોક સુનાવણી રાખવામાં આવી હતી.
રજીસ્ટર પર સહી: શાસકો દ્વારા વેરા વધારાના નિર્ણય બાદ નગરજનો દ્વારા સ્વયંભૂ વ્યારા બંધ રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વ્યારામાં આવેલ દુકાનો અને શાકભાજીની દુકાનો બંધ રહી હતી. નગરજનો દ્વારા વારંવાર નગરપાલિકામાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો. અરજદારો ને બોલાવી તેમના મંતવ્ય લેવામાં આવ્યા હતા. જેમાં અરજદાર દ્વારા આક્ષેપ કરાયા હતા કે સમિતિ દ્વારા જે લોક સુનાવણી રાખવામાં આવી છે. તેમાં વોર્ડ મુજબ લોકો ને બોલાવી અને લોકો પાસે રજીસ્ટર પર સહી કરાવી પોતાની મનમાની કરાઈ રહી છે.
"વ્યારા નગરપાલિકા દ્વારા વેરા વધારા અંગેના પેપર જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને 2 દિવસ સુનાવણી રાખવામાં આવી હતી. જે જે લોકો લેખિતમાં વાંધો રજૂ કર્યા હતા. એવા અરજદારો બોલાવી તેમના મંતવ્યો સંભાળવામાં આવ્યા હતા. ઘણા અરજદારો 20 થી 30 ટકા વેરો વધે તો સહમત થયા છે. આ અંગે વ્યારા નગરપાલિકા ના સભ્યો ભેગા મળીને લોક સુનાવણી બાદ વેરા વધારા અંગેનો નિર્ણય સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવશે."--કુલીન પ્રધાન (નગરપાલિકા કારોબારી અધ્યક્ષ)
વ્યારાની પ્રજાને લોલીપોપ: વેરા વધારામાં વધારો કરવાની હોદ્દેદારોની ગણતરી હોય એવું લાગી રહ્યું છે. માત્ર ને માત્ર વ્યારાની પ્રજાને લોલીપોપ આપવાનું કાર્ય શાસકો કરી રહ્યા છે એવું અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે આ બેઠક થયા બાદ પણ લોકોની જે સમસ્યા હતી તે દુર થઇ નથી. બધા તારણ જોઇને ગામ લોકો માની રહ્યા છે કે ખરેખર વેરામાં વધારો કરવો છે એટલે પ્રજાને લોલીપોપ આપવામાં આવી રહ્યા છે.