- તાપી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય છે કાંતિ ગામીત
- કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થયા
- પૂર્વ ધારાસભ્યએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી
સુરત : તાજેતરમાં તાપી જિલ્લાના સોનગઢનાં ડોસવાડા ગામમાં ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતી પ્રધાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યાં હતા. જેને લઇને સોશીયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે. વીડિયો વાઇરલ થયા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતે જણાવ્યું હતું કે તેમના પરિવારમાં દર વર્ષે આવી જ રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પૌત્રીની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના નિમંત્રણ વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા. અંદાજે દોઢ હજાર લોકોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. ગરબા અને સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા એ મારી ભૂલ છે અને આ માટે હું માફી માગું છું.
તપાસના આદેશ આપવામાં આવ્યા
બીજી તરફ તાપી જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ સુજાતા મજુમદાર દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક તરફ સામાન્ય નાગરિક જ્યારે લગ્ન પ્રસંગમાં નિયત સંખ્યા કરતા વધારે લોકો બોલાવે છે ત્યારે તેને મસમોટો દંડ ફટકારી દેવામાં આવે છે ત્યારે તંત્રમાં સત્તામાં બેઠેલી પાર્ટીના નેતાઓ આવી રીતે ગાઇડલાઈન્સનું ઉલ્લંઘન કરે છે તેમના વિરૂદ્ધ કોઇ પગલા પણ લેવાતા નથી. રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સમગ્ર ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યા છે.