તાપી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોરો-શોરોમાં ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જોર શોરથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન 5 દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો ત્રીજો દિવસ છે. તાપીના વ્યારામાં(Vyara legislative Assembly) આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યપ્રધાન ભગંવત માનનો(Chief Minister of Punjab) રોડ શો યોજાયો હતો. જો કે રોડ શો દરમ્યાન મોદી મોદીના નારા લાગ્યા હતા.
ભાજપના કાર્યકર્તાઓની નારેબાજી: વ્યારા ખાતે AAPના પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિપીન ચૌધરીના સમર્થનમાં વ્યારામાં એક રોડ શો યોજ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર બિપીન ચૌધરી રોડ શોમાં જોડાયા હતા. રોડ શો દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા અને થોડા સમય માટે આસપાસનો માહોલ ગરમાઈ ગયો હતો. જોકે ત્યારપછી સ્થાનિક પોલીસે ભાજપના કાર્યકર્તાઓને દૂર થવા કીધું હતું. જે મુદ્દે પંજાબના મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું કે જે લોકોએ નારા લગાવ્યા તેમના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે. ઉપરાંત ગુજરાતમાં આપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજકીય સમીકરણો: મહત્ત્વપૂર્ણ છે કે વ્યારા (Vyara Assembly Seat of Tapi district) 171 વિધાનસભા મતવિસ્તારમાં ભાજપે યુવા ચેહરામાં મોહન કોંકણીને ટિકિટ આપી છે ત્યારે આમ આદમી પાર્ટીએ અહીંયા ભાજપમાંથી આવેલા બિપીન ચોધરીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે કરંજવેલ ગામના ચાલુ ટર્મનાં ધારાસભ્ય પુનાજી ગામીતને ટિકિટ આપી છે. આ ત્રણેય નેતાઓ વચ્ચે ખરા-ખરીનો જંગ ખેલાવવા જઈ રહ્યો છે. ત્યારે હવે જનતા કોને વિજયી બનાવે છે તે જોવું રહ્યું.