સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી-સુરાલી નાગરિક ધિરાણ મંડળીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આવી હતી. 17 જેટલા વ્યવસ્થાપક સભ્યોમાં 8 સભ્યો બિન હરીફ થયાં હતાં. જેથી 9 સભ્યો માટે 23 ઉમેદવારો મેદાનમાં હતા. જે માટે ગત રોજ મતદાન થયું હતું.
એક બાજુ વર્તમાન ડિરેક્ટરોએ પોતાના સહકાર ગ્રુપના 9 ઉમેદવાર ઉભા કર્યા હતા. સામે પક્ષે પણ પેનલ વગર વ્યક્તિગત રીતે કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, ચૂંટણી પ્રચારમાં પણ અનેક રાજકીય દાવ પેચ શરૂ થયાં હતાં. 2137 જેટલા સભાસદોએ પણ 90 ટકાથી વધુનું ઉત્સાહપૂર્ણ મતદાન થતાં પરિણામ અંગે સભાસદોમાં ઉત્સુકતા હતી.
સોમવારના રોજ મંડળીનાં બોર્ડ રૂમમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. 9 ઝોનમાં સભાસદોએ 8 ઉમેદવારો માટે સહકાર ગ્રુપનાં ઉમેદવાર ઉપર વિશ્વાસ મુક્યો હતો અને તમામ ઉમેદવારો વિજેતા થયાં હતાં. જ્યારે સુરાલી-2 ઝોન માં સહકાર ગ્રુપના સંજય અઘેરા અને સામે રાજીવ વ્યાસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી.
તો બીજી બાજુ પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા અને ચૂંટણી સમયએ ડંફાસો મારતાં તાલુકા પંચાયત સભ્ય દેવેન કાપડીની કારમી હાર થઈ હતી અને મતગણતરી અંતે ત્રીપાખીયા જંગમાં ડૉ.રાજીવ વ્યાસ 66 મતે વિજેતા થયાં હતાં.