દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો હાલ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક 1,74,838 ક્યુસેક જેટલી છે. જેના કારણે ડેમની સપાટી 339.96 ફૂટ પાસે પહોંચી છે. એટલે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 5 ફૂટ જેટલી રહી છે. ડેમની સપાટીને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા 11 દરવાજા 5 ફૂટ, 1 દરવાજો 6 ફૂટ જ્યારે અન્ય 1 દરવાજો 4 ફૂટ ખોલી અને 1,43,055 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આવેલા હથનુંર ડેમની સપાટી 211.380 મીટર છે, ત્યારે હથનુંર ડેમમાંથી પણ 33,233 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણીની સીધી આવક ઉકાઈ ડેમને મળે છે. હાલ તો તંત્ર ઉકાઈ ડેમની સપાટીને જાળવી રાખવા માટે એલર્ટ છે. તો બીજી તરફ ઉકાઈ ડેમની પાણીની સપાટીને જોતા ચોક્કસ આગામી વર્ષમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ ડેમનું પાણી આશીર્વાદ રૂપ નીવડશે.