તાપી જિલ્લાના સોનગઢ નગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા બંને જૂથના લોકો આમને સામને આવ્યા હતા. જેમાં એક મુસ્લિમ યુવક સહિત બે વ્યકતિઓને ઈજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તમાં જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ નિલેશ ચંદાતરેને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેને લઈ સોનગઢ નગરનું વાતાવરણ તંગ બન્યું હતું.
આ સમગ્ર ઘટનાના પગલે હિન્દૂ સંગઠન દ્વારા સોનગઢ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ.જી, તાપી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર ઘટનાના દોષિતોને પકડવાની હૈયાધારી આપવામાં આવતા સમગ્ર મામલો શાંત થયો હતો. બીજી તરફ નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.