ટ્રાયબલ સબ પ્લાન સોનગઢ કચેરી દ્વારા કાર્યાન્વિત યોજનાઓની યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા કલેકટર નિનામાએ ટ્રાયબલ સબ પ્લાન સોનગઢ દ્વારા અમલી ન્યુ ગુજરાત પેટર્ન યોજના, આદિમ જૂથ છ પાયાની વિકાસ યોજના, બોર્ડર વિલેજ છ પાયાની યોજના સહિતની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત વર્ષ 2016-17,2017-18માં મંજુર થયેલા પ્રગતિ હેઠળના કામો તથા શરૂ ન થયેલા કામોની સમીક્ષા કરી તેમણે સ્થળ ફેરફાર કરવાલાયક કામોના સ્થળ ફેરફાર કરી નવેસરથી દરખાસ્ત કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત પૂર્ણ થયેલા કામોનું સમયસર રિપોર્ટિંગ કરવા અંગે પણ તેમણે તાકીદ કરી હતી.
વધુમાં વર્ષ 2018-19,2019-20ના જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં મંજુર કરવામાં આવેલા વિકાસકામોની પૈકી તાંત્રિક મંજુરી માટે આવેલી દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી. મંજુરી માટેના બાકી રહેલી દરખાસ્તોની તાત્કાલિક દરખાસ્તો તૈયાર કરી મંજુરી મેળવીને ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવે એમ કલેકટર નિનામાએ તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકનું સંચાલન પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલે કર્યું હતું. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદભાઇ પટેલ, યોજના સહ તાલુકા વિકાસ અધિકારી, સોનગઢ, યોજના સહ તાલુકા વિકાસ અધિકારી, વ્યારા, અન્ય તાલુકા વિકાસ અધિકારીઓ, કવોલિટી એશ્યોરન્સ ઓફિસર ડૉ. કે.ટી.ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.એમ.ગામીત, કાર્યપાલક ઇજનેરો, અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.