સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 11 વોર્ડ સુધીના તમામ વોર્ડમાં ધોળીધજા ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ડેમ બારે માસ નર્મદાના પાણીથી ભરેલો હોવા છતાં નગરપાલિકા તંત્રની બેદરકારી અને અણઆવડતને કારણે લોકોને પીવાનું પાણી મળતું નથી. ત્યારે શહેરના વોર્ડ નંબર-1, 3 અને 2ના અનેક રહેણાંક વિસ્તારોમાં પાલિકા તંત્રની બેદરકારીને કારણે છેલ્લા 5-6 દિવસથી સ્થાનિકોને પાણી ન મળતા ભારે રોષે ભરાયા હતા.
જ્યારે આ અંગે નગરપાલિકાના સ્થાનિક સદસ્યોને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા વિવિધ વોર્ડની મહિલાઓ અને રહિશો પાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. તો સાથે જ પાણીના પ્રશ્નને લઇને ઉગ્ર રજૂઆતો કરવામાં હતી.
આ મામલે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા GUDC અંતર્ગત કરોડો રૂપિયાની પાણીની નવી પાઈપલાઈન નાંખી હોવા છતાં લોકોને નિયમિત પાણી ન મળતા તંત્રની બેદરકારી સામે આવી હતી. તેમજ આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.