સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા નવા ટ્રાફિક કાયદા સંદર્ભે લોકોમાં જાગૃતિ લઇ આવવા માટે એક સેમીનાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વઢવાણ GIDC ખાતે આવેલા મેડિકલ હોલ ખાતે ટ્રાફિક જનચેતના સેમિનાર જેની અંદર પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ત્યાર બાદ ધારાસભ્ય ધનજીભાઇ પટેલના હસ્તે જનચેતના રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી મેડિકલ હોલથી નીકળી ભક્તિનંદન સર્કલ, ઉપાસના સર્કલ, બસ સ્ટેન્ડ, આંબેડકર ચોક, ટાવર ચોક થઈને જવાહર ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી.
આ રેલીમાં પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ તેમજ હેલ્મેટ સાથે બાઈક રેલીમાં જોડાયા હતા અને લોકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કર્યા હતાં. ટ્રાફિક જનચેતના સેમિનાર તેમજ રેલીનો મુખ્ય ઉદ્દેશ જનતામાં ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ આવે તે માટે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ લાગુ થયેલા અધિનિયમનની સરળતાથી અમલવારી થઇ શકે, અકસ્માત કેવી રીતે ઘટે, માણસને અનમોલ જિંદગીને કેવી રીતે કોઈપણ નુકશાનથી બચાવી શકાય, રોડ ઉપરથી પસાર થતા સમયે શું સાવચેતી રાખી શકાય, સમય અને નાણાંનો વ્યય થતો અટકાવી શકાય, તે તમામ મુદ્દે લોકોમાં જાગૃતિ આવે તેમજ જનતામાં ચોક્કસ અને સરળ રીતે મૌલિક ભાષામાં માહિતી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં તેમજ સેમિનારમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કલેક્ટર કે રાજેશ, એસપી મહેન્દ્ર બગડીયા સહિતના આરટીઓ પોલીસ અધિકારીઓ, ડીડીઓ, ડી.વાય.એસ.પી સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.