સુરેન્દ્રનગરઃ વિરમગામના ભોજવાથી પાટડી તરફ જતી માઈનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ સ્થાનિક અને નર્મદા અધિકારીને જાણ કરતા કોઈ અધિકારીઓ ઘટના સ્થળે ફરકયા પણ ન હતા.
રવિવારે સવારે પડેલા કેનાલના ગાબડાથી વહેલુ પાણી બીજા દિવસે સવારે બંધ થયુ હતુ, ત્યાં સુધી તમામ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતોઓ અતિવૃષ્ટિ બાદ મહા મહેનતે રવિ પાકની વાવણી કરી છે. પરંતુ પાણી ભરાઈ જવાથી ઘઉં, જીરૂ સહિતના રવિ પાકો નિષ્ફળ જશે. ખેડૂતોનો આક્ષેપ છે કે, અધિકારીઓની અણઆવડત અને મીસ મેનેજમેન્ટના કારણે કેનાલમાં ગાબડા પડે છે.
માઈનોર કેનાલ પર જ્યાં જોવો ત્યાં ઝાળી જાખરા જોવા મળે છે તેમજ ખેડૂતોનું કહેવુ છે કે, કેનાલમાં વધારે માત્રામાં પાણી છોડવાને કારણે કેનાલ ઓવરફ્લો થતા ગાબડુ્ પડયુ હતુ. ગાબડુ પડયાને 36કલાક બાદ નર્મદા નિગમના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને 36 કલાક કરતા પણ વધુ સમય જવા છતા કોઈ પણ જાતનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યુ નથી.
તાત્કાલિક ધોરણે સરકારે ખેડૂતોને સહાય ચુકવવાની માંગણી ઉઠી છે. તેમજ સમયસર દેખરેખ રાખવામાં આવતી હોય તો કેનાલમાં ભષ્ટાચારના ગાબડા ન પડે તેમ છે. ત્યારે આ બાબતે કોગ્રેંસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતુ કે, કેનાલનું કામ હલકી ગુણવત્તાવાળુ કરવામાં આવ્યુ છે. તેમજ છેવાડના ગામડે પાણી પહોંચડવામાં માટે પાણી ફોર્સથી છોડવામાં આવતુ હોવાને કારણે પણ આવા ગાબડા પડતા હોય છે, ત્યારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા નથી તો તાત્કાલિક અધિકારીઓ પહોંચી સમારકામ અને યોગ્ય કામગીરી હાથ ધરવી જોઈએ.