સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર સંતોષ કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલ આર.કે. આંગડિયા પેઢીમાં ગત્ 16 સપ્ટેમ્બરના રોજ માલિક ભગીરથસિંહ પરમાર અને કર્મચારી મિતુલભાઈ સાકરીયા પેઢીમાં બેઠા હતા. તે દરમિયાન ધોળે દિવસે કારમાં આવેલ બે શખ્સોએ માલિક ભગીરથસિંહ અને મિતુલભાઈના હાથ પગ બાંધી દુકાનની પાછળ કાચના કેબિનમાં બેસાડી રિવોલ્વરથી મારી નાખવાની ધમકી આપી ટેબલના ખાનામાં પડેલ 6 લાખ 57 હજાર રોકડા રૂપીયા, સોનાનો ચેઈ જેની કિંમત 30 હજાર, 3 મોબાઈલ જેની કિંમત 7 હજાર રૂપીયા મળી કુલ 6.94 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જે અંગે ભોગ બનનાર આંગડિયા પેઢીના માલિકે સાયલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચનાથી LCB, SOG, ટેક્નિકલ સોર્સ સહીત સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં હાઈવે પરની હોટલો અને દુકાનના CCTV ચેક કરતા લૂંટમાં વપરાયેલ કાર સાયલાથી ફુલગ્રામ, વઢવાણ, જોરાવરનગર થઈ ધ્રાંગધ્રા તરફ ગઈ હતી તેમ જાણવા મળ્યું હતું. તેમજ કારના નંબરની RTO તપાસ કરતા કારના મયુરસિંહ જાડેજાને પોલીસે ઝડપી પૂરછપરછ કરતા અન્ય શખ્સો વિકાસ સાંગવાન, ચીમો, દિલીપ તથા એક અજાણ્યો શખ્સ મળી કુલ પાંચ શખ્સોએ સાથે મળી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે મુખ્ય આરોપી મયુરસિંહ જાડેજા પાસેથી પોલીસે લૂંટમાં વપરાયેલ રિવોલ્વર, જીવતા કારતૂસ અને મોબાઈલ સહિતના મુદ્દામાલને કબ્જે કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.