સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં વરિયાળીના નકલી બિયારણ મુદ્દે વંદન સિડ્સ કંપની સામે ખેડૂતોનો રોષ ભભૂકયો હતો. જિલ્લાના ખેડૂત આગેવાન તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર નાયબ ખેતી નિમાયકની કચેરીએ કંપની સામે આક્ષેપ કરતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવી રહ્યું હોય છે ત્યારે આ વર્ષ વરિયાળીમાં નકલી બિયારણના મુદ્દે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ રહી છે.
ડેપો પર ચેકિંગની માગણી : સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા ખેતીવાડી વિકાસ અધિકારીની ઓફિસમાં મોટા પ્રમાણમાં ખેડૂત અને ખેડૂત આગેવાનો દ્વારા આયોજનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આયોજનપત્ર પાઠવવા સાથે ખેડૂતો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે હાલ જિલ્લામાં એગ્રો ડેપો ઉપર વરિયાળીના બિયારણમાં નકલી બિયારણ વેચાઇ રહ્યું છે. ખેડૂતોએ આક્ષેપો કર્યાં હતાં કે અધિકારી સાથે તેઓ જગ્યા સ્થળ ઉપર જઈને ડેપોમાં ચેકિંગ કરવામાં આવે તો વરિયાળીનું નકલી બિયારણ મળી આવશે. જોકે અધિકારી દ્વારા આ ચેકિંગ કરવામાં નહીં આવતા ખેડૂતો દ્વારા અધિકારીઓની મિલિભગત હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો Adulterated seeds Problem : આ સમસ્યાથી ખેડૂતોની શી હાલત બને છે તેની જાણ છે?
ખેતીવાડી અધિકારી ઉપર આક્ષેપ : સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં વરિયાળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષ વરિયાળીના વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. ખેડૂત આગેવાનો અને ખેડૂતો દ્વારા એગ્રો ડેપો ઉપર જે વરિયાળીનું બિયારણ મળી રહ્યું છે તે બિયારણમાં નકલી બિયારણ મળતું હોય તેવા આક્ષેપ સાથે આજે નિયામક ખેતીવાડી અધિકારી ઓફિસમાં આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે ખેતીવાડી અધિકારી દ્વારા યોગ્ય જવાબ નહી આપતા ખેડૂતો અને અધિકારી વચ્ચે મામલો બીચક્યો હતો અને ખેડૂતો દ્વારા રજૂઆતો સાથે ખેતીવાડી અધિકારી ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતાં.
અધિકારી અને ખેડૂતો વચ્ચે બોલાચાલી : સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થતા ખેતીવાડી અધિકારી પોતાની ચેમ્બર છોડીને અન્ય ચેમ્બર તરફ દોડી ગયા હતાં. જ્યારે આ મામલો ગરમ થતાં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ અને ખેડૂતોની વાતચીત દરમિયાન મામલાને શાંત કરવાના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.
ખેતીવાડી અધિકારીએ શું કહ્યું : બાદમાં ખેતીવાડી અધિકારી અને ખેડૂતો વચ્ચે મામલો શાંત પડતાં ખેતીવાડી અધિકારી એસ. એ. સીણોજીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે સમગ્ર નકલી બિયારણ મુદ્દા ઉપર તપાસ કરીશું અને યોગ્ય કમિટી બનાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો અને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી.