સુરેન્દ્રનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દિલ્હી ખાતેથી દેશના કુલ 91 એફ.એમ.રેડિયો ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સુરેન્દ્રનગર ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલથી એફ.એમ.ટ્રાન્સમીટરનાં વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્યપ્રધાન સાથે કેન્દ્રિય પ્રધાન મહેંદ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દિલ્હી ખાતેથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ભાવનાત્મક જોડાણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજે 91 એફ.એમ. ટ્રાન્સમિટરના લોકાર્પણથી ઓલ ઇન્ડિયા રેડિયોની એફ.એમ. સેવાઓના વ્યાપમાં મોટો વધારો થશે. દેશના 85 જિલ્લાના 2 કરોડથી વધુ લોકોને એફ.એમ. પ્રસારણનો લાભ મળશે. મારા માટે ખુશીની વાત એ છે કે હું ઓલ ઈન્ડિયા રેડિયો ટીમનો એક ભાગ છું. મન કી બાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ માત્ર રેડિયો દ્વારા જ શક્ય છે. સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, હર ઘર તિરંગા અભિયાન આ બધા અભિયાનોને જન આંદોલન રેડિયોએ બનાવ્યું છે. દેશનાં ખેડૂતો સુધી કૃષિ પદ્ધતિઓ, હવામાન સંબધી જાણકારી, ખાદ્યપદાર્થો અને શાકભાજીના ભાવો, રસાયણોના ઉપયોગથી થતા નુકસાન વિશે ચર્ચા, કૃષિમાં આધુનિકતા વગેરેની જાણકારી પહોંચાડવામાં એફ.એમ.ટ્રાન્સમીટરની મહત્વની ભૂમિકા છે.
નવી વિચાર પ્રક્રિયા : ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગો વિશેની વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, નાના દુકાનદારો અને ફેરીયાઓ ઇન્ટરનેટ અને યુ.પી.આઈ.ની મદદથી બેન્કિંગ સિસ્ટમનો લાભ લઈ રહ્યાં છે અને વેપાર વધારી રહ્યા છે. માછીમારોને હવામાન વિશેની જાણકારીઓ યોગ્ય સમયે મળી રહે છે. આજે ટેકનોલોજીની મદદથી લઘુ ઉદ્યોગોના ઉત્પાદનો દેશના ખૂણે ખૂણે વેચાઈ રહ્યા છે. આમાં ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ મદદરૂપ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં આવેલા ટેક રિવોલ્યુશનના કારણે રેડિયો એક નવા જ અવતારમાં જોવા મળી રહ્યો છે. ડિજિટલ ઈન્ડિયાએ માત્ર રેડિયોને નવા શ્રોતાઓ જ નહીં પરંતુ એક નવી વિચાર પ્રક્રિયા પણ આપી છે.
FM ટ્રાન્સમીટરનું લોકાર્પણ : ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં આજે 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં કુલ 91 નવા 100 વોટના FM ટ્રાન્સમીટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સુરેન્દ્રનગર ઉપરાંત વેરાવળ, ખંભાળિયા, થરાદ, વલસાડ, બોટાદ, મોડાસા, દાહોદ, રાધનપુર અને કેવડિયા એમ કુલ 10 એફ.એમ. રેડિયો ટ્રાન્સમીટર્સનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રસાર ભારતી દ્વારા કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર એફ.એમ. સ્ટેશનની ફ્રિક્વન્સી 101.1 Mhz છે. સવારે 6:00 કલાકથી રાત્રીના 11:00 કલાક સુધી આકાશવાણી દ્વારા તૈયાર કરેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad News : ઘરમાં જ્યાં જૂઓ ત્યાં જોવા મળે રેડિયો, અમદાવાદના રેડિયોપ્રેમીની અદભૂત વાત
10થી 15 કિલોમીટર વિસ્તારમાં લાભ : ઉચ્ચ ગુણવત્તાનો ઓડિયો ધરાવતા આ પ્રસારણનો લાભ આજુબાજુના 10થી 15 કિલોમીટર વિસ્તારના લોકોને મળશે. આ એફ.એમ. ટ્રાન્સમિટરનાં લોકાર્પણથી સુરેન્દ્નનગર અને આસપાસનાં ગામનાં લોકોને સંગીત, મનોરંજન અને સમાચાર માટે તેમજ વ્યવસાયિક પ્રકારની જાહેરાત કરવા માટે એક નવું માધ્યમ પણ મળશે. આ સેવાનો જિલ્લાના લોકો રેડીયો, કાર, મોબાઈલ સહિતના ઉપકરણોમાં લાભ મેળવી શકશે. આ સેવા થકી આકાશવાણીનો મુદ્રાલેખ “બહુજન હિતાય બહુજન સુખાય” નો મંત્ર સાર્થક થશે.
આ પણ વાંચો : World Radio Day : અનોખો રેડીયો પ્રેમી, 100થી વધુ દેશી વિદેશી બનાવટનાં રેડીયાનો કર્યો સંગ્રહ
કોણ કોણ ઉપસ્થિત રહ્યા : આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશ વરમોરા, પી.કે.પરમાર, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટર દર્શનાબેન ભગલાણી, આકાશવાણી રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ રમેશ આહિરવાર, દૂરદર્શનનાં એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર આભા શર્મા, આકાશવાણીના એન્જિનિયર આશા ત્રિવેદી, આકાશવાણીના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.