સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, હત્યા, ફાયરિંગ સહિતના બનાવો વધી રહ્યા છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર આવેલ મિયાણાવાડ વિસ્તારમાં એક યુવકની મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે હત્યા નીપજાવનાર શખ્શોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ડીજે વગાડવાની બાબતે બબાલ : સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર આવેલ મિયાણાવાડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા દોસમહમદ ઉસ્માનભાઈ મેરની પૌત્રીના લગ્ન (નિકાહ) નો પ્રસંગ હતો. સગાંસંબંધીઓ તેમજ પરિવારજનો એકત્ર થયા હતાં અને રાત્રે ડીજેના તાલે દાંડિયા રાસ રમી રહ્યા હતાં. પરિવારના ઉત્સાહ વચ્ચેે મોડી રાત્રે રાસગરબા પૂર્ણ થયા બાદ પરિવારજનો બેઠાં હતાં તે દરમિયાન કૌટુંબિક સગા થતા યુવક અશરફ ઉર્ફે અસરૂએ આવી ફરી ડીજે શરૂ કરી ગીત વગાડવાનું કહ્યું હતું. ત્યારે પરિવારજનોએ ઈન્કાર કરતા આ બાબતે ઝઘડો થતા મામલો ઉગ્ર બન્યો હતો.
અશરફને ઘા ઝીંક્યા : તકરાર વધી જતાં પાંચ જેટલા શખ્શોએ એકસંપ થઈ છરી અને લાકડાના ધોકા વડે યુવક અશરફને પેટના અને પગના ભાગે ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નીપજાવી હતી. તેમ જ અન્ય યુવક આમિર ઉર્ફે ઢેગા અને યાસીનને પણ છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસ કાફલા પહોચ્યો : નિકાહના પ્રસંગમાં ગંભીર રીતે યુવકોને ઇજાગ્રસ્ત થવાના આ બનાવની જાણ થતાં ડીવાયએસપી એચ.પી.દોશી, પી.આઈ., ચૌહાણ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે મૃતક યુવક અશરફની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અશરફની હત્યા નિપજાવી નાસી છૂટેલા શખ્શોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
અન્ય પાંચ શખ્શો સામે ફરિયાદ : જ્યારે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે પાંચ શખ્શો રમજુ દાઉદભાઈ મોવર, ઝૂઝા જુમાભાઈ મેર, મુરાદ રહેમાનભાઈ મેર, આમીન રહેમાનભાઈ મેર અને દોસમહમદ ઉસ્માનભાઈ મેર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે નિકાહ દરમિયાન જ યુવકની હત્યાનો બનાવ બનતા સુખનો પ્રસંગ શોકમાં ફેરવાઈ જતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.
- Surendranagar Crime News : સી.યુ. શાહ હોસ્પિટલમાં ડોક્ટરને માર મારનાર લુખા તત્વોની શાન ઠેકાણે આવી
- Surendranagar Crime : ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન મામલે હત્યા, બે ભાઈના મોતના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- Surendranagar Crime News: સુરેન્દ્રનગરની સબ જેલમાં કિન્નર કેદીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ