ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા 20 ઓક્ટોબરે યોજાવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરીક્ષાને લઈ આજે મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ આગામી એક મહિનામાં પરીક્ષા અંગેની નવી જાહેરાત કરવામાં આવશે. અંદાજે 4500 જેટલી નવી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાર્થી માટે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે, જે પહેલા 12 પાસ પણ આ પરીક્ષા આપી શકતા હતાં. આ પરીક્ષાની વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી 20/10/2019ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંક 150/201819 બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પરીક્ષા હાલ પુરતી રદ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. આ પરીક્ષા આશરે લાખો ઉમેદવારો આપવાના હતાં, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિતના અંદાજીત ૪૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપનાર હતાં. પરંતુ, અચાનક સરકાર દ્વારા બિનસચિવાયલની પરીક્ષા રદ કરવામાં આવતા ઉમેદવારો તેમજ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. આથી વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર અધિક કલેકટરને આવેદન પાઠવી રોષ ઠાલવ્યો હતો. પરંતુ, સરકાર દ્વારા રદ કરતા તમામ વિદ્યાર્થીની મહેનત પર પાણી ફરી વળતા રોષ સાથે આજે ફરીવાર સુરેન્દ્રનગર કલેકટરમાં વિદ્યાર્થીઓએ જઇ કલેકટર કે.રાજેશને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પરંતુ, કલેકટર કે.રાજેશ દ્વારા વિદ્યાર્થીની રજૂઆત ન સાંભળતા રોષ ફેલાયો હતો.
આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા તા. ૨૦ ઓક્ટોબરના રોજ પરિક્ષા અચાનક રદ કરવામાં આવતા ઉમેદવારો તેમજ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. આ રદ કરેલી પરિક્ષાનું કારણ જીએસએસબી બોર્ડના અધ્યક્ષ આસીતભાઇ વોરાને પણ ખબર નથી. ગુજરાતના 10 લાખથી વધારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઇને દરેક 12 પાસના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે તેવી દરખાસ્ત પણ કરીએ છીએ. આથી 300થી વધુ વિદ્યાર્થીઓ ભારત માતા કી જય અને ઇન્કલાબ જીંદાબાદના નારા સાથે કલેકટર કચેરીમાં જઇને કલેકટર કે.રાજેશને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા ગયા હતાં. પરંતુ, કલેકટર કે.રાજેશ દ્વારા અમારી માંગણીઓ ન સાંભળી હતી. જેને લઇને અમો વિરોધ કરીશું તેમજ તા. 18-10-2019ના રોજ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરેન્દ્રનગર પધારવાના છે અને તેમના કાર્યક્રમમાં અમો હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ કાર્યક્રમમાં દોડી જઇ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.