સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આવેલ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસના સ્ટાફ, પશુ પક્ષીઓને પાલિકા તંત્ર સહિત સામાજિક સંસ્થાઓ બંને ટાઈમ જમવા સહિતની સેવાઓ પૂરી પાડી અનોખી સેવાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસએ કહેર મચાવ્યો છે, ત્યારે ભારત અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના વાઇરસનાં કારણે છેલ્લા દોઢ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે મેળાના મેદાનમાં લોકડાઉન પહેલા ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ આવ્યું છે. પરંતુ સર્કસ શરૂ થાય તે પહેલાં જ લોકડાઉન જાહેર થતાં જ સર્કસનો એક પણ શો થયો નહોતો. હાલ લોકડાઉનને અંદાજે દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે, ત્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી જ પાલિકા તંત્ર દ્વારા મેદાનનું ભાડું માફ કરવામાં આવ્યું છે.
જ્યારે સામાજીક સંસ્થાઓ દ્વારા સર્કસના અંદાજે 100 જેટલા સ્ટાફને બપોરે અને રાત્રે નિશુલ્ક જમવાનું પૂરું પાડવામાં આવે છે અને પાંજરાપોળ દ્વારા સર્કસના પશુ પક્ષીઓને ઘાસ ચારો પૂરો પાડવામાં આવે છે. જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી સામાજિક સંસ્થાઓ દ્વારા સર્કસના પશુ-પક્ષી અને સર્કસના સ્ટાફને જમવાની વ્યવસ્થા આપશે. સર્કસના મેનેજરએ તંત્ર અને સામાજિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.