સુરેન્દ્રનગર: સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વર્ગ-1થી 4ના વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને 7મા પગારપંચનો લાભ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વર્ષોથી ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલ અને સરકારી પોલિટેકનિક કોલેજોમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓને 7મા પગારપંચનો લાભ આપવામાં આવતો નથી. આ અંગે અનેક વખત શિક્ષણપ્રધાન સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.
આ અંગે સમગ્ર રાજ્યમાં પોલિટેકનિક કોલેજોના પ્રાધ્યાપકો દ્વારા છેલ્લા 8 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વઢવાણ ખાતે આવેલી સી.યુ. શાહ પોલિટેકનિક કોલેજના 60થી વધુ પ્રાધ્યાપકો વિરોધમાં જોડાયા હતા. તેમજ કાળા વસ્ત્રો પહેરી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, તમામ પ્રાધ્યાપકો દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ શાંતિપૂર્વક વિરોધ કરાયો હતો. તેમજ માત્ર કાળા વસ્ત્રો પહેરીને આવ્યાં હતાં, પરંતુ રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ રાખ્યું હતું. જ્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા પડતર પ્રશ્નો અને 7મા પગારપંચનો લાભ આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.