બાળકોમાં કુપોષણ દૂર થાય તે ઉમદા હેતુથી સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) હાલમાં કાર્યરત છે. જેમાં જન્મથી 6 વર્ષના બાળકોના આરોગ્ય તેમજ તેના પોષણના સ્તરમાં સુધારો થાય તે માટે કાર્ય કરવામાં આવે છે. આ પ્રકારના બાળકોમાં શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનો પાયો નાખવો તેમજ કુપોષણ તેમજ અન્ય બિમારી દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. સાથે તેમને પોષણયુક્ત ખોરાકની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. ત્યારે આ યોજનામાં કામ કરતા બહેનોને પ્રોત્સાહન મળી રહે અને તેમના કાર્ય કરવાનો ઉત્સાહ વધે તે માટે સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ ICDSના કર્મચારીઓ હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં આંગણવાડીના ત્રીસ જેટલા બહેનોને માતા યશોદા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આંગણવાડી તેડાગર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સગર્ભા ધાત્રી મહિલાઓને અને બાળકોને પોષણ કીટ પણ આપવામાં આવી હતી.