આ કાર્યક્રમ પ્રસંગે પાટડી મામલતદાર પી.એસ. ખરાડી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ.એમ. સોલંકી, આઇ.ટી.આઇ.ના આચાર્ય એમ.બી. પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સીલર ધર્મિષ્ઠાબેન મમગરાએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩માં તમાકુથી થતી બીમારીઓ અને તેને રોકવા માટેનો કાયદો બનાવવામાં આવેલ છે.
દેશમાં આજે ૧૨૦ મિલિયન લોકો તમાકુનું સેવન કરે છે અને તેના કારણે દર વર્ષે ૧૦ મિલિયન જેટલા લોકો મૃત્યુ પામે છે. તમાકુના વ્યસનથી મુક્ત બની નિરોગી બનવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. દરેક શાળા-કોલેજની આસપાસ ૧૦૦ વાર ત્રિજયામાં તમાકુ કે તમાકુની અન્ય બનાવટોનું વેચાણ ન થાય તે માટે લોકોએ પણ જાગૃતી કેળવવી જરૂરી હોવાનું જણાવી ‘યલ્લો લાઇન કેમ્પેઇન’ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લો ૨૩માં ક્રમે હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું.
આ કાર્યક્રમ પ્રસંગે તમાકુ નિયંત્રણ અંગેના કાયદા અંતર્ગત કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વાર ત્રિજયામાં તમાકુ અથવા તો તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધના સખત અમલીકરણ કરવા માટે પાટડીની શૈક્ષણિક સંસ્થાની આસપાસ યલ્લો લાઇન દોરી ‘તમાકુ મુકત સંસ્થાન’ ચિન્હ બનાવવામાં આવ્યું હતું. તમાકુ મુકત શાળા, ઘર, ગામ, જિલ્લો તેમજ રાજય બનાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પોલીસ વિભાગના માવજીભાઇ, ફેથ ફાઉન્ડેશનના અક્ષયભાઇ, ચિરાગભાઇ, જીજ્ઞેશભાઇ, તમાકુ નિયંત્રણ સેલના વિજયભાઇ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.